પાવીજેતપુર તાલુકાના આદિવાસીઓને જાતિના દાખલા બાબતે મામલતદાર દ્વારા ૭૩ ડબલ એ એન્ટ્રી વાલી નકલ તથા સેવા પોથીનો આગ્રહ રાખવામાં આવતા હાલ શૈક્ષણિક હેતુ માટે વિદ્યાર્થીઓને તાતી જરૂરી છે એવા જાતિના દાખલા ન મળતા ધરમ ધક્કા ખાઇ વિદ્યાર્થીઓ, વાલીઓ પરેશાન થઈ રહ્યા છે.
ટ્રાયબલ જિલ્લા પંચાયત છોટાઉદેપુર માં સમાવિષ્ટ પાવીજેતપુર તાલુકામાં મામલતદાર કચેરીમાં જાતિના દાખલા મેળવવા માટે વિદ્યાર્થી, વાલીઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી મામલતદાર દ્વારા આદિવાસી જાતિના દાખલા ઇસ્યુ કરવામાં વિવિધ પુરાવાઓ માંગી વિદ્યાર્થીઓને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.
એક અઠવાડિયા અગાઉ પાવીજેતપુર મામલતદાર કચેરીમાંથી જ નાયબ મામલતદાર દ્વારા કોઈપણ તકલીફ વિના શૈક્ષણિક હેતુ માટે જાતિના દાખલા કાઢી આપવામાં આવતા હતા. પરંતુ મામલતદાર જયસ્વાલે ચાર્જ સંભાળતાની સાથે અરજદારો પાસે વિવિધ પુરાવા માંગીને તેમની અરજી ફગાવી દેવામાં આવે છે.
કેહવાય છે કે તાજેતરમાં જ સરકાર દ્વારા અને આદિજાતિ મંત્રાલય દ્વારા રાજ્યના તમામ ટ્રાયબલ એરીયાના મામલતદારોની મિટિંગમાં સરકાર દ્વારા ખાસ આદેશ આપવામાં આવ્યો છે કે, જાતિના પ્રમાણપત્ર ઇસ્યુ કરતા સમયે અધિકારીએ પોતાને ખાતરી હોય અને જો ઘરના અન્ય સભ્યો નું જાતિનું પ્રમાણપત્ર અરજી સાથે જોડાયેલ હોય તો તરત જ આવા અરજદારોને જાતિના દાખલા કાઢી આપવા છતાં પાવીજેતપુરના મામલતદાર દ્વારા ૭૩ ડબલ એ એન્ટ્રી વાલી નકલ તથા સેવા પોથીનો આગ્રહ રાખવામાં આવે છે. ત્યારે વર્ષોથી આદિવાસી હોવા છતાં મામલતદાર દ્વારા બે વાંધા બતાવી અને બીજા કોઇપણ પુરાવાઓને ધ્યાનમાં લીધા સિવાય અરજદારોને પાછા કાઢવામાં આવે છે. ત્યારે તાલુકાના આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. પાવીજેતપુર ના મામલતદાર જાતિના દાખલા ના કાઢી આપતા
તાલુકાની આદિવાસી જનતાને અને વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. અને તાલુકાના વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રવેશ તથા નોકરી માટેની અરજીઓ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હોવાથી આ બાબતે તાલુકા ના વિદ્યાર્થી આગેવાનો દ્વારા ટૂંક સમયમાં કલેકટરને રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. અને જો આ અંગે જલ્દી, યોગ્ય નિકાલ નહીં આવે તો આંદોલન શરૂ કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે. તો તંત્ર આ અંગે ધ્યાન આપવી યુદ્ધના ધોરણે આદિવાસીઓને જાતિના દાખલા મળતા થાય તેવું આયોજન કરે તેમ પાવીજેતપુર તાલુકાની જનતા ઈચ્છી રહી છે.