વઢવાણ :હાસ્ય કલાકાર હાલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે છે. જ્યાં તેઓએ માનસિક દિવ્યાંગ બાળકોના લાભાર્થે કાર્યક્રમો યોજ્યા. ત્યાંથી 50 લાખનું અનુદાન એકત્ર કરી 3 સંસ્થાને અર્પણ કરાયું હતું. અમેરિકામાં બ્રાઈટર વિઝન ફાઉન્ડેશન નામની સેવાભાવી સંસ્થા બારડોલી પાસે ખરવાસા ગામમાં આવેલી મંદબુદ્ધીના બાળકોની સંસ્થા માટે પરદેશમાંથી સેવા કરે છે. અમેરિકાના ટેક્સાસના ડાહ્યાભાઈ પટેલે આ સંસ્થાને જમીનનું દાન કરી અમેરિકાથી સંચાલન કરે છે.ઝાલાવાડના હાસ્ય કલાકાર, લેખક, કવિ, ચિંતક, સમાજસેવક ડો.જગદીશભાઇ ત્રિવેદીએ 3 મહીનાના અમેરિકા અને કેનેડાના પ્રવાસ દરમિયાન આ પ્રકારની મંદબુદ્ધિના બાળકોની સંસ્થા માટે 2 કાર્યક્રમ કર્યા હતા. જીસીએ અને બ્રાઈટર વિઝન ફાઉન્ડેશન આયોજીત એમ મંદબુદ્ધિના બાળકો માટે તદ્દન નિ:શુલ્ક 2 કાર્યક્રમ કરીને અનુક્રમે 26 લાખ, 24 લાખ મળીને કુલ 50 લાખ એકત્ર કર્યા હતા.જગદીશભાઇએ બન્ને કાર્યક્રમો પુરસ્કારનું સૌ પ્રથમ દાન કરી લોકોને માનસિક દિવ્યાંગ બાળકો માટે દાન કરવા અપીલ કરી હતી. 50 લાખમાંથી બારડોલી પાસે ખરવાસા ગામની સંસ્થાને 48 લાખ, ભાવનગરની અંકુર મંદબુ્દ્ધિના બાળકોની સંસ્થાને 1 લાખ, વઢવાણની જીવનસ્મૃતિ મંદબુદ્ધિના બાળકોની સંસ્થાને 1 લાખ રૂપિયા એમ રાજ્યની 3 સંસ્થાને કુલ 50 લાખનું દાન અર્પણ કર્યુ છે. તેઓના અમેરિકા પ્રવાસમાંથી હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓને દોઢ કરોડ જેટલું અનુદાન પહોંચતું કર્યું છે.