વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબોના આવાસમાં કેટલાક ગૌપાલકોને મકાનોની ફાળવણી કરવામાં આવ્યા બાદ આ ગૌ પાલકોએ પોતાને અહીં મકાનો મળતાજ સાથે સાથે ઢોરવાડા પણ ઉભા કરી દેતા કોર્પોરેશન દ્વારા તરસાલી આવાસ યોજનામાં ઉભા કરવામાં આવેલા ઢોરવાડા દૂર કરી દીધા હતા.
પાલિકાની દબાણ શાખાએ પોલીસ બંદોબસ્ત સાથે ઢોરવાડા દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.

તરસાલી ખાતે આવેલા આવાસોમાં રહેતા લોકો દ્વારા ઢોરવાડા દૂર કરવા માટે પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી.
દરમિયાન હાઇકોર્ટ દ્વારા રખડતી ગાયો ઉપર અંકુશ લાવવા માટે આદેશ કર્યા બાદ પાલિકા તંત્ર દ્વારા હવે રસ્તા ઉપર રખડતી ગાયોને ઢોરડબામાં પૂરવાની કાર્યવાહી સાથે ગેરકાયદેસરના ઢોરવાડા પણ દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવતા તેના ભાગરૂપે ઢોરવાડા દૂર કરવામાં આવ્યા હતા.

તાજેતરમાં સયાજીપુરા સ્થિત આવાસ યોજના હેઠળ મળેલ મકાનો બાદ ઉભા કરાયેલા ઢોરવાડા તોડી પાડવામાં આવ્યા બાદ હવે તરસાલીમાં ગરીબોની આવાસ યોજનાના મકાનો માં રહેતા કેટલાક ગૌપાલકોએ ઢોરવાડા બાંધ્યા હતા. એટલું જ નહીં કેટલાક લોકોએ મકાનમાં દુકાન કરી તેનો શેડ પણ ગેરકાયદેસર રીતે બાંધી દીધા હતા. આજે વડોદરા કોર્પોરેશન દ્વારા ગરીબોની આવાસ યોજનામાં ગેરકાયદે બાંધેલા ત્રણ ઢોરવાડા અને ચાર દુકાનોના ગેરકાયદે શેડ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.