આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગુજરાતની અંદર ચૂંટણીનો માહોલ છે અને સમગ્ર દેશમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. લોકો અલગ અલગ સમસ્યાઓથી પીડાય છે. એવા સમયે કેન્દ્રની સરકારે પાવર મિનિસ્ટ્રીએ એક પોલિસી પાસ કરી છે. જેવી રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ નિરંકુશ છે અને તેના ઉપર સરકારી નિયંત્રણો હટાવવામાં આવ્યા છે એવી જ રીતે પાવર સેક્ટર પર પણ સરકારી નિયંત્રણો હટાવવાની એક નવી પોલિસી કેન્દ્ર સરકાર લઈને આવી છે.

આ પોલીસી ખૂબ જ ગંભીર વિષય છે આ પોલીસીથી સામાન્ય જનતાના ખિસ્સા ઉપર ખૂબ જ બોજ વધવાનું છે. ખેડૂતો હોય, ઘર વપરાશની વીજળી હોય, નાના કારખાના હોય, ઉદ્યોગો હોય આ તમામ જે વપરાશકારો છે તે દેશની અંદર ખૂબ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. અને દેશના વિકાસની અંદર વીજળી સેક્ટરનું ખૂબ જ મોટું યોગદાન છે. આવા સમયની અંદર વીજળીના ભાવોને નિરંકુશ કરવા એ ખૂબ જ ગંભીર બાબત છે અને સૌના માટે ચિંતાનો વિષય છે.જેવી રીતે પેટ્રોલ ડીઝલના ભાવ નિરંકુશ કર્યા પછી સતત વધતા રહ્યા છે, ક્યારેય ઘટાડો થયો નથી, એવી જ રીતે વીજળી ક્ષેત્રે પણ આવું થવાની ખૂબ જ સંભાવનાઓ છે. આવા નિર્ણયથી આપણે ત્યાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિટી (GERC) છે એવી સંસ્થાઓને મોટા પ્રમાણમાં કોઈપણ કામગીરી રહેશે નહીં, તે નિષ્ક્રિય બની જશે. અને જે વીજ વપરાશકારો છે તેમની જે ફરિયાદો છે, તે કોઈ સંસ્થા સાંભળી નહિ શકે.]

ગુજરાતમાં એક તરફ મોંઘવારી વધી રહી છે, આખા દેશમાં વધી રહી છે ત્યારે સરકારે જનતા ઉપર રહેમ કરીને જેવી રીતે આમ આદમી પાર્ટીની પોલીસી છે એમાં વીજળીના ભાવ નિયંત્રણ કરી શકાય છે, વીજળી સસ્તી આપી શકાય છે, એની સામે જે કેન્દ્રની સરકાર છે તે તદ્દન અસંવેદનશીલ બની આ પોલીસી લઈને આવી છે. આનાથી ખાનગી પાવર કંપનીઓ જે છે તે ભવિષ્યની અંદર કોલસાની અછત, પાવરની અછત, એવી કુત્રિમ અછત પેદા કરી વીજળીના ભાવ વધારશે તેવી પૂરી સંભાવનાઓ છે.ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે, કોમર્શિયલ સેક્ટર છે, જેમણે વીજળી એમના પ્રોડક્શન પર સીધી અસર કરે છે, ખેડૂતોને પણ એમના ખર્ચા ઉપર વીજળીના ભાવ ખૂબ અસર કરતા હોય છે. તો આવા સમયની અંદર વીજળી ક્ષેત્રે ભાવને નિરંકુશ કરી દેવા અને સરકારની જવાબદારીથી બચવું એનો આમ આદમી પાર્ટી તરીકે અમે ખૂબ વિરોધ કરીએ છીએ.

આમ આદમી પાર્ટી તરફથી અમારી માંગણી છે કે આ પોલીસીને લાગુ કરવામાં ન આવે અને જે કંઈ પાવર સેક્ટર છે તેના ઉપર સરકારનું પૂરેપૂરું નિયંત્રણ રહે અને આગામી દિવસોની અંદર લોકોને રાહત થાય એવી રીતે આ સેક્ટરને ડેવલોપ કરવામાં આવે. વીજ ઉત્પાદન વધારવામાં આવે અને જે વીજ ડિસ્ટ્રીબ્યુશન ની અંદર ખોટ જાય છે એ ખોટને ઘટાડી સામાન્ય જનતાને રાહત આપવામાં આવે. આ સાથે જ આગામી દિવસોની અંદર વીજ ક્ષેત્રમાં જો સરકાર આ પોલીસીને પાછી નહીં લે તો આમ આદમી પાર્ટી સડક થી લઈને સંસદ સુધી, આ પોલીસી નો વિરોધ કરશે.