વલસાડની કકવાડી પ્રા. શાળાને ગ્રીન સ્કૂલ સ્પર્ધામાં રાષ્ટ્રીય એવોર્ડ અને 4 લાખનું ઈનામ એનાયત

હૈદરાબાદ દ્વારા INDIAN GREEN BUILDING COUNCIL (IGBC) ગ્રીન યોર સ્કૂલ કોન્ટેસ્ટ અંતર્ગત ગ્રીન બિલ્ડીંગ IGBC ગ્રીન સ્કૂલ એવોર્ડનું આયોજન કરાયું હતું. વર્ષ 2020માં ગ્રીન એન્ડ સસ્ટેઇનેબલ સ્કૂલની સ્પર્ધામાં દેશની 380 શાળાએ ભાગ લીધો હતો. જેના પ્રથમ રાઉન્ડ બાદ હૈદરાબાદની 2, ગુજરાતની 3, રાજસ્થાનની 1, ઓડિસાની 1 અને દિલ્હીની 1 એમ કુલ 8 શાળાની પસંદગી થઇ હતી. આ 8 શાળામાંથી ટોપ 3ની પસંદગી માટે તા. 24-04-2021 ના રોજ ઓનલાઇન વર્ચ્યુઅલ મોડથી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પ્રાથમિક શાળા કકવાડીનાં ધો. 8ના વિદ્યાર્થી સાહિલ ટંડેલ, માનવ ટંડેલ અને વેદિકા ટંડેલે પ્રાથમિક શાળા કક્વાડી વતી શાળાનું પ્રેઝન્ટેશન કરી નેશનલ કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળા અને કકવાડી ગામને ગૌરવ અપાવ્યું હતુ. જે બદલ IGBC દ્વારા ગ્રીન સ્કૂલ એવોર્ડ અને રોકડ રૂ. 4 લાખ ઇનામ તેમજ વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ આપવામાં આવ્યા હતા. ઇનામની રકમનો ઉપયોગ શાળા દ્વારા રજુ કરવામાં આવેલા પર્યાવરણના જાળવણીના 10 હેતુના અમલીકરણ માટે કરાશે. નેશનલ કક્ષાએ પ્રથમ ક્રમ મેળવતા જ શાળા પરિવાર તેમજ ગ્રામજનોમાં આનંદની લાગણી ફરી વળી હતી.

વલસાડની સાથે ગુજરાતનું પણ રાષ્ટ્રીય સ્તરે કકવાડીની પ્રાથમિક શાળાએ ગૌરવ વધારતા રાજ્યના શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે અમદાવાદના ઇસ્કોન ખાતે દીનદયાલ ઉપાધ્યાય ઓડીટોરિયમમાં શાળાના આચાર્યશ્રી ચેતનભાઈ પટેલ અને શાળાના 3 વિદ્યાર્થીને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સ્પર્ધા માટે શાળાને સમગ્ર રીતે તૈયાર કરવા માટે શ્રુતિ પટેલ ( સ્ટેટ પ્રોજેક્ટ એન્જિનિયર, સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર) સમગ્ર શિક્ષા અભિયાન વલસાડ તરફથી ડિસ્ટ્રક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર શ્રી ચંદુભાઇ પટેલ, આર્કિટેક જીજ્ઞાબેન પટેલ, ટેકનીકલ રીસોર્સ પર્સન જીતેન્દ્રભાઇ પટેલ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. જે બદલ સમગ્ર શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી ચેતનભાઇ પટેલે સૌનો આભાર વ્યક્ત કરી આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી.

પર્યાવરણના જાળવણી માટે શાળા દ્વારા રજૂ કરાયેલા ૧૦ મુદ્દા

ગ્રીન એન્ડ સસ્ટેઇનેબલ શાળામાં બાળકોની કુલ ૬ ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં હવા, પાણી, જમીન, ઉર્જા, મકાન અને વેસ્ટનો સમાવેશ કરાયો હતો. ટીમ લીડર તરીકે શિક્ષકોની નિમણૂક કરાઈ હતી અને તેમના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવામાં આવ્યું હતું, જેથી બાળકોમાં સારી આદતો તેમજ પ્રકૃત્તિ જાળવણી વિશેની ટેવોનો વિકાસ થાય. આ સ્પર્ધામાં શાળા દ્વારા (1) મશરૂમ ખેતી, (2) ગ્રીન વોલ ફોર બિલ્ડીંગ પ્રોટેક્શન, (3) વૈદિક પેઇન્ટ, (4) સ્પોર્ટસ ઇક્વીગ્મેન્ટ ફોર પ્લેગ્રાઉન્ડ, (5) ટુલ્સ ઓફ સ્કૂલ સેફ્ટી, (6) સોલાર ડેસલીનેશન સીસ્ટમ (ખારા પાણીને મીઠુ કરવુ) , (7) વુડન બેરલ ફોર રેઇન વોટર હાર્વેસ્ટીંગ, (8) ગ્રીન રૂફ ઓન બોટ, (9) મેકીંગ કોકોપીટ અને (10) ઊર્જા અને પાણી બચાવવા માટેના અવેરનેશ કેમ્પેઇન જેવા આઇડિયાને પ્રેઝન્ટ કરી શાળાએ ગ્રીન સ્કૂલનો એવોર્ડમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી 4 લાખ રૂપિયાનું રોકડ ઇનામના હકદાર બન્યા છે.