અમદાવાદ

થોડા દિવસ અગાઉ નવરંગપુરામાં આંગડિયા પેઢીમાંથી 42 લાખ રૂપિયા લઈને જતાં વ્યક્તિઓ પાસેથી  અજાણ્યા શખ્સો બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયાં હતાં. જે અંગે ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી કાઢ્યો છે.આ મામલે ક્રાઈમ બ્રાંચે 2 આરોપીઓની ધરપકડ કરી છે.સાથે જ આરોપીઓ પાસેથી લૂંટના 31.37 લાખ રૂપિયા જપ્ત કરી ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી હતી.
 
શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ નિખિલ બ્રહ્મભટ્ટ અને તેમની ટીમને બાતમી મળી હતી કે, અગાઉ ચિલ ઝડપ તથા કાચ તોડીને પૈસા ચોરી કરતા મનોજ સિંધી ગાગડેકર અને વિશાલ તમંચે ભેગા મળી કોઈ જગ્યાએથી લૂંટ કરેલ પૈસા સગેવગે કરવા નરોડા ગેલેક્ષી તરફ જઈ રહ્યા છે.બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે 31 લાખ 37 હજાર 500 રૂપિયા રોકડા અને ઍક્સેસ વાહન કબ્જે કર્યું હતું. આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે બંને આરોપીઓએ અન્ય આરોપી પપ્પુ ગારગે સાથે ચિલઝડપ કરવા નીકળ્યા હતા.નવરંગપુરમાં આંગડિયા પેઢીમાંથી પૈસા લઈને જતાં બે જણાનો પીછો કર્યો હતો.બંને પાસે રૂપિયા ભરેલો થેલો હતો. સી.જી રોડ બોડીલાઇન ચાર રસ્તા પાસે પહોંચતા જ આરોપીઓ થેલો ઝુંટવી ફરાર થઇ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધપરકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.