પાવીજેતપુર,તા.૨૮
પાવીજેતપુરમાં આવેલ સનરાઇઝ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના સંચાલકો દ્વારા એક શિક્ષિકાના પગારના નાણાના રૂપિયા ૪,૭૦,૮૦૦/- આપવામાં ન આવતા પાવીજેતપુર પોલીસ, મુખ્યમંત્રી સહિત ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા કલાલી ખાતે રહેતા તેજલબેન હિતેશભાઈ સોની પાવીજેતપુર ની સનરાઇઝ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ૧/૦૩/૨૦૧૯ ના શિક્ષક તરીકે જોડાયા હોય,જેઓનો ૩૭૦૦૦ પગાર નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોવિડ-૧૯ ( કોરોના ) ફાટી નીકળતા શિક્ષણકાર્ય ઓફલાઈન બંધ કરી ઓનલાઇન ચાલુ કરવામાં આવ્યું હતું. ઓનલાઇન શિક્ષણ ચાલતું હોય ત્યારે શિક્ષિકા બેનને અડધો પગાર આપવામાં આવતો હતો, તેમજ બીજો અડધો પગાર ફી આવતા ચૂકવી દેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. ૨૦૨૧ સુધી બીજો અડધો પગાર ચૂકવી દેવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી હતી. સંચાલકો પાસે શિક્ષિકાબેન પોતાના બાકીના પગારના નીકળતા નાણાંની માંગ કરતા સંચાલકોએ તેઓને અપ શબ્દો બોલી છૂટા કરી દીધા હતા. ૬/૦૭/૨૦૨૧ સુધી શિક્ષિકાએ શિક્ષક તરીકેની ફરજ સનરાઇઝ શાળામાં બજાવી હોવા છતાં પગારના બાકીના નાણાં રૂપિયા ૩,૭૦,૦૦૦/- તેમજ ઇન્ક્રીમેન્ટના બાકીના નાણાં ૧,૦૦,૮૦૦/- મળી કુલ ૪,૭૦,૮૦૦/- હજુ સુધી ન મળતા,પોતાના પગારના નાણાં મેળવવા માટે બે વકીલો દ્વારા સંચાલકોને નોટીશો પણ આપવામાં આવી હતી.પરંતુ શિક્ષિકાના નીકળતા નાણાં ન મળતા નાણાં મેળવવા માટે પાવીજેતપુર પોલીસ સ્ટેશન માં અરજી કરી છે તેમજ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે.
આ સંદર્ભે સનરાઈઝ સ્કુલના પ્રમુખ કૌશિકભાઈ શાહને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ શિક્ષિકાબેનની ભરતી તદ્દન હંગામી ધોરણે કરી હતી. તેઓનો પગાર ૩૫૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો, જે દર માસે ચૂકવી દેવામાં આવતો હતો. કોરોના ફાટી નીકળતા ઓફ લાઈન શિક્ષણ બંધ થઈ ઓનલાઇન શિક્ષણ ચાલુ કરવામાં આવ્યું હતું.જેનું પણ દર માસે મહેનતાણું ચૂકવી દેવામાં આવ્યું છે. શિક્ષિકાબેન ની કાયમી ભરતી કરવામાં આવી ના હોય જેથી કોઇપણ પ્રકારનું ઇન્ક્રીમેન્ટ આપવાનું થતું નથી. ખરેખર શિક્ષિકા બેનને પૂરેપૂરું મહેનતાણું ચૂકવાઇ ગયું છે. આ તો શાળા, સંસ્થા, અને સંચાલકોને બદનામ કરવાનું તેમજ માનસિક ત્રાસ આપવાનું કાર્ય શિક્ષિકાબેન કરી રહ્યા છે.
પાવીજેતપુર પીએસઆઇ ને અરજી સંબંધે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એક શિક્ષિકાબેન ની અરજી આવી છે જેની તપાસ ટાઉન જમાદારને સોંપવામાં આવી છે. વધુ તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.