અમદાવાદ/સુરત/રાજકોટ/બરોડા/ગુજરાત : બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં, લઠ્ઠાકાંડ ને કારણે 55 થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને ઘણા લોકો હજુ પણ ગંભીર હાલતમાં વિવિધ હોસ્પિટલમાં દાખલ છે. આમ આદમી પાર્ટીએ આ મુદ્દે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે અને ગુનેગારો અને સમગ્ર માફિયાઓ સામે પગલાં લેવા માટે સરકાર પર ઘણું દબાણ પણ કર્યું છે, પરંતુ ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકાર બુટલેગરો સામે કડક પગલાં લઈ રહી નથી. જેના કારણે ભાજપ સરકા ને જનતા ની નહીં પણ બુટલેગરો ની વધુ ચિંતા છે તે નક્કી છે.

આ કારણોસર, આમ આદમી પાર્ટીએ નિર્ણય કર્યો કે આવી જનવિરોધી ભાજપ સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને તેમના પદ પર બની રહેવાનો કોઈ અધિકાર નથી. આ કારણે, આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી ને આવેદનપત્ર આપીને ફરિયાદ કરતા કહ્યું છે કે ગુજરાતની જનતા ના હિત માટે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને વહેલામાં વહેલી તકે પદ પરથી હટાવવા જોઈએ. આ સંદર્ભમાં, આમ આદમી પાર્ટીએ માનનીય રાજ્યપાલ શ્રી ને આવેદન મોકલ્યા છે.

આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ના રાજીનામાં ની માંગ સાથે રાજ્યપાલ શ્રી ને આવેદન પત્ર પાઠવ્યું.

આમ આદમી પાર્ટી દ્વારા તમામ જિલ્લાઓ માં કલેકટર મારફતે રાજ્યપાલ શ્રી ને આવેદન પત્ર પાઠવી ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને ભ્રષ્ટાચારની સજા કરવા માંગણી કરી.

મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ની બેદરકારીના કારણે લઠ્ઠાકાંડ ની ઘટના બની અને લોકોએ જીવ ગુમાવ્યા પડ્યા છે: મનોજ સોરઠીયા

રાજ્યપાલ શ્રી એ તાત્કાલિક મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને તેમના હોદ્દા પરથી બરતરફ કરવા જોઈએઃ મનોજ સોરઠીયા

બુટલેગરો ને રોકવામાં અસમર્થ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને હોદ્દા પર બની રહેવાનો અધિકાર નથી: ભેમાભાઈ ચૌધરી

બુટલેગરો ને છૂટછાટ આપીને શાસક પક્ષે કાનૂન વ્યવસ્થા નબળી પાડવાનું કામ કર્યું છેઃ જે.જે.મેવાડા
સુરતથી આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ની આગેવાની હેઠળ રાજ્યપાલ શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ મીડિયાને જણાવ્યું કે ગુજરાતમાં નકલી દારૂ પીવાથી 55 થી વધુ લોકોના મોત થયા છે. અને હજુ પણ ઘણા લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. ગુજરાતમાં લઠ્ઠાકાંડ પહેલીવાર બન્યો નથી, આ પહેલા પણ ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારની બેદરકારીના કારણે અનેક વખત દારૂ નું કૌભાંડ થયું છે અને મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે.

પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, ગુજરાતની જનતા ની ચિંતા કરીને દારૂ માફિયાઓને ખતમ કરવાનું કામ આ અણસમજુ ભાજપ સરકારે ક્યારેય કર્યું નથી. જેના કારણે નકલી દારૂ પીવાથી લોકો વારંવાર મૃત્યુ પામી રહ્યા છે. અમે માનીએ છીએ કે આ તમામ મૃત્યુ માટે માત્ર મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જ જવાબદાર છે. તેમની બેદરકારી અને દારૂ માફિયાઓ સામે કડક કાર્યવાહી ન કરવાના કારણે લોકોના મોત થયા છે. તો આજે અમે ગુજરાતના માનનીય રાજ્યપાલ પાસે માંગણી કરીએ છીએ કે, ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને પદ પરથી બેદખલ કરવા જોઈએ કારણ કે તેઓ ગુજરાતની જનતા નું રક્ષણ કરવા સક્ષમ નથી.

બનાસકાંઠા જિલ્લામાં પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી ની આગેવાની હેઠળ રાજ્યપાલ શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા પ્રદેશ પ્રમુખ ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ના લોકો એટલી સંવેદનહીન બની ગઈ છે કે તેમની પાસે આવી દુઃખદ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરવાનો અને પીડિત પરિવારોને મળવાનો પણ સમય નથી. નાની-નાની વાતો પર ટ્વીટ કરનારા ભાજપના નેતાઓ આજે લઠ્ઠાકાંડના મુદ્દે મૌન બેઠા છે. આ મૌન તેમને વધુ ગુનેગાર બનાવે છે. દારૂ માફિયાઓને રોકવામાં અસમર્થ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને તેમના પદ પર બની રહેવાનો કોઈ અધિકાર નથી. તેથી જ રાજ્યપાલ શ્રી પાસે અમારી માંગ છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને તેમના હોદ્દા પરથી હટાવવામાં આવે અને ગુજરાતની જનતા ના ભલા માટે બુટલેગરો ને નાબૂદ કરવામાં આવે.

અમદાવાદમાં આમ આદમી પાર્ટી અમદાવાદ જિલ્લા પ્રમુખ જે.જે.મેવાડા ની આગેવાની હેઠળ રાજ્યપાલ શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન જિલ્લા પ્રમુખ જે.જે.મેવાડાએ બરવાળાના સ્થાનિક લોકોને જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ ના કારણે બરવાળામાં અવારનવાર સારા અને પ્રમાણિક પોલીસ અધિકારીઓની બદલી થાય છે.કેમ કે ત્યાં તેમને બુટલેગરો ને છૂટછાટ આપી રાખી છે. અને આ કારણોસર, 55 થી વધુ લોકોએ તેમના પર જીવ ગુમાવવો પડ્યો છે. જો શાસક પક્ષના નેતાઓ આ રીતે કાનૂન વ્યવસ્થાને નબળી કરવાનું કામ કરશે તો ગુજરાતમાં લોકો નો જીવ કેવી રીતે સુરક્ષિત રહેશે? મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુજરાતમાં 10,000 કરોડ રૂપિયાનો ગેરકાયદેસર દારૂ વેચાય છે. આ પૈસા કોની પાસે જાય છે તે મોટો પ્રશ્ન છે. ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ગુજરાત રાજ્ય ને સુરક્ષા આપવામાં સતત નિષ્ફળ રહ્યા છે. તેથી આ કારણોસર અમે રાજ્યપાલ પાસે માંગણી કરીએ છીએ કે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને પદ પર થી હટાવવા માં આવે અને ગુજરાતની જનતા ની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.

ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને રાજીનામુ અપાવવાની માંગણી સાથે અમદાવાદ, સુરત, બનાસકાંઠા તેમજ બરોડા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર, પાટણ, બોટાદ, પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો એ કલેક્ટર દ્વારા રાજ્યપાલ શ્રી ને આવેદન પત્ર પાઠવ્યું.