નોઈડાના સેક્ટર 93-Aમાં બનેલા સુપરટેક ટ્વીન ટાવર્સને આજે તોડી પાડવામાં આવશે. આ 32 માળની ઈમારત માત્ર 9 સેકન્ડમાં જ પડી જશે. આ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. પ્રશાસને સુરક્ષા માટે ટાવરની આસપાસની સોસાયટીને ખાલી કરાવી દીધી છે. તેમજ બ્લાસ્ટ થાય તે પહેલા સમગ્ર સિસ્ટમની ચકાસણી કરવામાં આવી રહી છે.
સેક્ટર-93-એમાં બનેલા 103 મીટર ઉંચા એપેક્સ અને 97 મીટર ઉંચા સાયન ટાવરને તોડવા માટે અલગ-અલગ ફ્લોર પર 3700 કિલો વિસ્ફોટકો મૂકવામાં આવ્યા છે. સુરક્ષાના કારણોસર એમરાલ્ડ કોર્ટ અને તેની બાજુની સોસાયટીઓના ફ્લેટ ખાલી કરવામાં આવશે. આ ઉપરાંત લગભગ ત્રણ હજાર વાહનો અને 200 પાલતુ પ્રાણીઓને પણ બહાર કાઢવામાં આવશે. એડફિસ એન્જિનિયરિંગના પ્રોજેક્ટ મેનેજર મયુર મહેતાએ જણાવ્યું હતું કે પોલીસ પાસેથી મંજૂરી મળ્યા બાદ બપોરે 2.30 વાગ્યે ‘ટ્રિગર’ દબાવવામાં આવશે.\
નોઈડા ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) રિતુ મહેશ્વરીએ કહ્યું કે બંને ટાવરમાંથી લગભગ 60 હજાર ટન કાટમાળ બહાર આવશે. તેમાંથી લગભગ 35 હજાર ટન કાટમાળનો નિકાલ કરવામાં આવશે. ડિમોલિશન પછીની ધૂળ સાફ કરવા માટે સ્વીપિંગ મશીન, એન્ટી સ્મોગ ગન અને વોટર સ્પ્રિંકલર મશીન સાથે સ્ટાફ ત્યાં હાજર રહેશે.