ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્માનો મોટો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. માર્ટિન ગુપ્ટિલે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મોટો અપસેટ સર્જતા રોહિત શર્મા જેવા ખતરનાક બેટ્સમેનને પાછળ છોડી દીધો છે.
સ્કોટલેન્ડ સામેની પ્રથમ T20 મેચ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડીને માર્ટિન ગુપ્ટિલ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. 35 વર્ષીય ગુપ્ટિલે 31 બોલમાં 40 રન બનાવ્યા અને આ દરમિયાન તેણે રોહિત શર્માને પાછળ છોડીને નવો રેકોર્ડ બનાવ્યો.
ગુપ્ટિલના ઓપનિંગ પાર્ટનર ફિન એલને પણ તેની પ્રથમ ટી20 સદી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરતા, તેણે 56 બોલમાં 101 રન બનાવ્યા અને ન્યૂઝીલેન્ડે પાંચ વિકેટે 225 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં સ્કોટલેન્ડની ટીમ આઠ વિકેટે 157 રન જ બનાવી શકી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ઈશ સોઢીએ 28 રનમાં ચાર અને માઈકલ સેન્ટનરે 23 રનમાં બે વિકેટ લીધી હતી.
ગુપ્ટિલે તેની ઈનિંગ દરમિયાન T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3399 રન પૂરા કર્યા અને રોહિત શર્માના 3389 રનને પાછળ છોડી દીધા. તેના પછી ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (3308 રન), આયર્લેન્ડના ODI કેપ્ટન પોલ સ્ટર્લિંગ (2894 રન) અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચ (2855 રન)નો નંબર આવે છે. કોહલી 2021માં T20 ઈન્ટરનેશનલમાં 3000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.