ભારે વરસાદથી આ 9 જિલ્લાનાં 2.42 લાખ હેક્ટરમાં પાક ધોવાયો
61 હજાર હેક્ટરમાં 33 ટકા કરતાં વધુ નુકસાન
સરકાર દ્વારા પાકના નુકસાનનું સર્વે કરવામાં આવ્યું છે

ગુજરાતમાં થોડા સમય અગાઉ થયેલા ભારે વરસાદને કારણે કચ્છ સહિત રાજ્યના 9 જિલ્લામાં નુક્સાનીનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. 9 જિલ્લાના 41 તાલુકાના 3070 ગામોમાં કુલ 207 ટીમો દ્વારા પાક નુકસાન સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે પૈકી હાલના તબક્કે 2346 ગામોમાં સર્વે પૂરો કરાયો છે. ભારે વરસાદને કારણે રાજ્યના 9 જિલ્લાનાં 2.42 લાખ હેક્ટરમાં પાક ધોવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે 61 હજાર હેક્ટરમાં 33 ટકા કરતાં વધુ નુકસાન થયું છે. આ જિલ્લાઓમાં સહાય આપવા અંગે કૃષિ મંત્રીએ કેબિનેટમાં દરખાસ્ત મૂકી દીધી છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 9 જિલ્લામાં વરસાદથી નુકસાનનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ નુકસાન છોટાઉદેપુર જિલ્લામાં થયું છે. છોટાઉદેપુર જિલ્લાના 880 ગામમાં 1.30 લાખ હેક્ટર વિસ્તારમાં અસર થઈ છે. જ્યારે અન્ય જિલ્લામાં પણ ભારે નુકસાન થયું છે.
ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ જોઈએ તો કચ્છમાં 21 ઈંચ સાથે 117 ટકા, ઉત્તર ગુજરાતમાં 15 ઈંચ સાથે 55.77 ટકા, મધ્ય ગુજરાતમાં 19 ઈંચ સાથે 60 ટકા, સૌરાષ્ટ્રમાં 17 ઈંચ સાથે 61.32 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં 47 ઈંચ સાથે 81.92 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યની વાત કરીએ તો સરેરાશ 23 ઈંચ સાથે 69.22 ટકા વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.
કયા જિલ્લામાં કેટલું નુકસાન


• નર્મદા- 547 ગામોમાં 59430 હેક્ટર વિસ્તારમાં અસર
• છોટાઉદેપુર- 880 ગામોમાં 130555 હેક્ટર વિસ્તારમાં અસર
• નવસારી- 387 ગામોમાં 9457 હેક્ટર વિસ્તારમાં અસર
• પંચમહાલ- 39 ગામોમાં 830 હેક્ટર વિસ્તારમાં અસર
• સુરત- 96 ગામોમાં 235.35 હેક્ટર વિસ્તારમાં અસર
• વલસાડ- 283 ગામોમાં 6348 હેક્ટર વિસ્તારમાં અસર
• તાપી- 256 ગામોમાં 744 હેક્ટર વિસ્તારમાં અસર
• ડાંગ- 310 ગામોમાં 20807 હેક્ટર વિસ્તારમાં અસર
• કચ્છ- 352 ગામોમાં 13979 હેક્ટર વિસ્તારમાં અસર


35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે 41 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 33 જળાશયોમાં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 41 જળાશયોમાં 25 ટકાથી 50 ટકાની વચ્ચે, 56 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે. રાજ્યમાં 35 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 18 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 08 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 14 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.