વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં વારંવાર મારામારી થતી રહે છે ત્યારે આજે ફરી એકવાર યુનિવર્સિટીમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે.અહીં કોમર્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં ચાર લોકો સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. આગામી દિવસોમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ઘટના બનતા પોલીસ એલર્ટ થઈ ગઈ છે.

એમ.એસ. યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા હર્ષ શૈવે ફરિયાદમાં જણાવ્યું છે કે તે ગત સાંજે એમ.એસ.યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા મોટા ભાઇ ધનંજયની સાથે કોમર્સ ફેકલ્ટી પાસે આવેલ કેન્ટીમાં ચા પીવા માટે ઉભા હતા. આ દરમિયાન તેમની સાથે NSUIના નેતા વ્રજ પટેલ પણ હાજર હતા.

દરમિયાન કેન્ટીનમાં કરણ પટેલ અને તેના મિત્રો તૃશેન દેશમુખ, શિવમ અને શાહિદ શેખ ત્યાં આવીને આ ચારેય NSUIના નેતા વ્રજ પટેલને પૂછયું કે હર્ષ ક્યા છે? જોકે હર્ષ ત્યાં જ હાજર હોવાથી કરણ સહિતના ચાર તેના મિત્રોએ તેને પકડી લીધો હતો અને તું કેમ એ.એસ.યુ. ગ્રૃપનો પ્રચાર કરે છે તેમ કહી અપશબ્દો બોલવા સાથે માર મારવાનું ચાલુ કરતા હર્ષને બચાવવા માટે તેનો ભાઇ ધનંજય વચ્ચે પડતા કરણ અને તેના સાથીદારોએ ધનંજયને પણ માર મારતા ભારે દોડધામ અને હોબાળો થતા યુનિવર્સિટીની વિજિલન્સની ટીમ દોડી આવતા મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં ઇજાઓ થતાં હર્ષ શૈવે કરણ પટેલ, તૃષેશ દેશમુખ, શિવમ અને શાહિદ શેખ સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.