આ તમામ વૃદ્ધ 'સાહેબ અભી મેં ઝિંદા હૂં' ના પોસ્ટર ગળામાં લટકાવીને તેઓ પોતે જીવિત હોવાની સાક્ષી આપવા મજબૂર બન્યા છે. સરકારી કાગળોમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. જેના કારણે તેમને વૃદ્ધાવસ્થામાં મળતું પેન્શન બંધ થઈ ગયું છે.

ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં મંગળવારે 6 વૃદ્ધ તેમના ગળામાં 'સાહબ અભી મેં જિંદા હું' ના પોસ્ટર ગળામાં લટકાવીને ડીએમ પાસે પહોંચ્યા હતા. વૃદ્ધ પોતાને જીવિત સાબિત કરવા આજીજી કરતા હતા. સરકારી મશીનરીના ગડબડીના કારણે આ વડીલોને કાગળ પર મૃત દર્શાવી દેવાયા છે. જેના કારણે તેમને છેલ્લા દોઢ વર્ષથી વૃદ્ધાવસ્થા પેન્શન મળી રહ્યું નથી.

વૃધ્ધોનું કહેવું છે કે પૂર્વ ગ્રામ વિકાસ અધિકારીને લાંચ ન આપવા બદલ સરકારી કાગળોમા તેમને મૃત દર્શાવવામાં આવ્યા હતા. હવે તેમને મળતું વૃદ્ધાવસ્થા પેન્શન બંધ થઈ ગયું છે. સરકારી તંત્રની બેદરકારીનો આ મામલો મહોબા તાલુકા વિસ્તારના પચપહરા ગામનો છે.

વૃદ્ધ સરમણ, ગિરજા રાની, કાલિયા, સુરજી, નંદકિશોર અને રાકેશ રાની સરકાર તરફથી મળેલા વૃદ્ધાવસ્થા પેન્શનની મદદથી પોતાનું ગુજરાન ચલાવે છે. છેલ્લા દોઢ વર્ષથી તેમના ખાતામાં પેન્શન આવી રહ્યું નથી. તેઓ સમાજ કલ્યાણ વિભાગમાં ગયા હતા, જ્યાં સત્ય જાણ્યા બાદ તેમના હોશ ઉડી ગયા હતા. તેમને કહેવામાં આવ્યું કે તમામ સરકારી કાગળો પર તેઓને મૃત બતાવવામાં આવ્યા છે.

ત્યારબાદ વૃદ્ધોએ જિલ્લા અધિકારીને લેખિતમાં અરજી સાથે સોગંદનામું પણ રજૂ કર્યું. તેમણે કહ્યું કે તેઓ જીવિત હોવા છતાં, પૂર્વ ગ્રામ વિકાસ અધિકારીને પેન્શન વેરિફિકેશનના નામે 500 રૂપિયાની લાંચ ન આપવા બદલ કાગળો પર તેઓને મૃત બતાવ્યા છે. પેન્શન બંધ થવાના કારણે તેમની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી છે. તેમને દોઢ વર્ષથી વૃદ્ધાવસ્થા પેન્શન મળી રહ્યું નથી.

જિલ્લા અધિકારી મનોજ કુમારે સમગ્ર મામલાની તપાસ CDOને સોંપી છે. તપાસ બાદ ખબર પડશે કે આ કેસમાં પેપરમાં વૃદ્ધોને મૃત બતાવવાનું કોઈ ષડયંત્ર હતું કે પછી કોઈ ટેકનિકલ ખામીને કારણે થયું છે. ડીએમએ સમગ્ર મામલાની તપાસ કરીને કાર્યવાહી કરવા કહ્યું છે.