ગોધરા : પોલીસ તાલીમ શાળા ખાતે આગામી તહેવાર ગણેશોત્સવ લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

ગોધરા શહેરમાં આવેલ પોલીસ તાલીમ ભવન ખાતે આગામી ગણેશોત્સવને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગોધરા શહેરના વિવિધ ગણેશ મંડળના આયોજકો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત કોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા કલેકટર સુજલ મયાત્રા અને જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી દ્વારા ગણેશ મંડળના આયોજકો સાથે આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી ગણેશોત્સવને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મોટાભાગના ગણેશ મંડળો દ્વારા ગણેશોત્સવની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, બે વર્ષના કોરોના મહામારી બાદ ગણેશોત્સવ યોજાતા લોકોમાં પણ ઉજવણી માટે થનગનાટ જોવા મળી રહ્યો છે, બીજી તરફ ગોધરા શહેરમાં પાંચ દિવસના આતિથ્ય બાદ દુંદાળા દેવ ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે, ગણેશ મંડળના આયોજકો દ્વારા વિશાળ વિસર્જન શોભાયાત્રા યોજવામાં આવે છે. ગોધરાની આન બાન અને શાન સાથે શ્રી ગણેશ વિસર્જન શોભાયાત્રા ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થાય છે, ત્યારે સમગ્ર વિસર્જન શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર કમર કસી રહ્યું છે, જેને લઇને ગોધરા શહેરમાં પોલીસ મુખ્ય મથક ખાતે આવેલ તાલીમ ભવન ખાતે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા અને જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકીના અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં વિવિધ ગણેશ મંડળના આયોજકો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ બેઠકમાં ગણેશ મંડળના આયોજકો દ્વારા આપવામાં આવેલ સૂચનોની નોંધ લઈને તંત્ર દ્વારા તેઓના પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય કાર્યવાહી કરવા માટેની ખાતરી આપવામાં આવી હતી.