રાજ્યમાં કોરોના કાળમાં ખાસ કરીને શૈક્ષણિક કાર્ય ખોરવાતા બાળકોના શિક્ષણ ઉપર ખુબજ ઊંડી અસર પડી હતી પણ હવે કોરોનાની ઘાતક સ્થિતિની અસરો હળવી થતા ધીરેધીરે બધું પાટા ઉપર ચડી રહ્યું છે ત્યારે હવે આગામી પરીક્ષાઓ સહિત શાળાકીય પ્રવૃત્તિઓનું કેલેન્ડર બહાર પડ્યું છે જેમાં વિગતો દર્શાવવામાં આવી છે.
ગુજરાતના ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડમાં અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓ માટે આગામી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષાની તારીખો જાહેર કરી છે.જે કેલેન્ડરમાં દર્શાવાયું છે કે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 14 માર્ચ 2023થી શરૂ થશે.

શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2022 – 23 માટે બહાર પાડવામાં આવેલા શાળાકીય પ્રવૃત્તિના કેલેન્ડરમાં દર્શાવવામાં આવ્યું છે કે પ્રથમ સત્ર શૈક્ષણિક કાર્ય 104 દિવસનું અને બીજા સત્રમાં 137 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. ઉપરાંત દિવાળી વેકેશન 20 ઓકટોબર થી 9 નવેમ્બર સુધી 21 દિવસનું નક્કી કરાયું છે.
ધોરણ 9 થી 12ના વિધાર્થીની પ્રથમ અને બીજી પરીક્ષાની તારીખ પણ બહાર પાડવામાં આવી છે. ઉપરાંત ધોરણ 9 અને 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષાઓ 10 એપ્રિલ 2023 થી પ્રારંભ થશે.
સ્કૂલ કક્ષાએ લેવાતી ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 10 ઓકટોબર થી 18 ઓકટોબર 2022 માં લેવામાં આવશે.આ ઉપરાંત શૈક્ષણિક વર્ષ પૂરું થયા બાદ વર્ષ 2023 – 24 નું નવું શૈક્ષણિક વર્ષ 5 જૂન 2023 થી શરૂ થનાર હોવાનું કેલેન્ડરમાં જણાવાયુ છે.
આમ,કોરોના બાદ હવે શાળાના કાર્યક્રમો ઓફ લાઈન ધોરણે પૂર્વવત થતા શિક્ષકો,બાળકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.