દેવાધિદેવ મહાદેવ તેમજ કૃષ્ણ ભગવાનની ભકિતના અનેરા પાવનકારી શ્રાવણ માસનું તા.૨૭ ઓગસ્ટ ને શનિવારે આ તહેવારનો  છેલ્લો દિવસ ગણવામાં આવે છે.પિતૃતર્પણ માટે પણ સવિશેષ મહાત્મ્ય ધરાવતા ભાદરવી અમાસના પર્વને અનુલક્ષીને ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના કોળીયાક અને મોટા ગોપનાથ સહિતના શિવાલયોમાં શ્રધ્ધાળુઓનો મહાસાગર ઘુઘવશે.

અમાસના પર્વે ઠેર-ઠેર ભાતીગળ લોકમેળાની રંગત જામશે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ અમાસના મહાપર્વે ભાવનગર શહેર અને જિલ્લાભરમાં અનેક સ્થળોએ ભાતીગળ લોકમેળાઓ યોજાશે. જેમાં વડવા ચાવડીગેટ નજીક આવેલ ખોડીયાર માતાજીના સાનિધ્યમાં લોકમેળો યોજાશે.

જયારે શહેરના છેવાડે આવેલા આખલોલ મહાદેવ, રંઘોળામાં ભાવનાથ મહાદેવ મંદિર, પાંડવકાલીન કોળીયાકના નિષ્કલંક મહાદેવ, તળાજા તાલુકાના મોટા ગોપનાથ, અલંગ નજીક આવેલ નાના ગોપનાથ, સિધ્ધનાથ મહાદેવ, સિહોરના પૌરાણિક બ્રહ્મકુંડ, નવનાથ,ગૌતમેશ્વર, રાજ૫રા ખોડિયાર, પાલિતાણાના વિરપુર સહિતના સ્થળોએ માનવ મહેરામણ ઘુઘવશે. જયારે તળાજાના દાંત્રડ ખાતે શેત્રુંજી નદીના કિનારે આવેલ ત્રિવેણી મહાદેવના સાનિધ્યમાં પણ ભાદરવીનો મેળો ભરાશે.જયારે કોળીયાકમાં નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં તા.૨૬ ને શુક્રવારે સાંજથી તા.૨૭ ને શનિવાર સુધી ભાદરવી અમાસનો ભાતીગળ લોકમેળો ભરાશે.શુક્રવારે આખી રાત લોકમેળાની મોજ માણશે.

.આ દ્વિ-દિવસીય લોકમેળામાં હજજારો ભાવિકોનો મહેરામણ ઉમટી પડશે અને શનિવારે આદેશ મળતાની સાથે જ પવિત્ર સમુદ્રસ્નાન કરી નિષ્કલંક મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી લોકમેળાની મન મુકીને મોજ માણશે.

ગત બે વર્ષ કોરોનાની મહામારીના કારણે ભાદરવી અમાસનો લોકમેળો બંધ રહ્યો હતો. જયારે હાલ કોરોના હળવો થતા આ વર્ષે ભાદરવી અમાસના લોકમેળામાં શ્રધ્ધાળુઓની સંખ્યામાં ચોકકસપણે નોંધપાત્ર વધારો થાય તેવુ જણાઈ રહ્યુ છે.