સુરત મજુરાગેટ વિસ્તારમાં બીડી સળગાવી ફેકેલી દીવાસળીથી નાઇટી સળગી જતા મહિલાનું મોત નીપજ્યું.સુરત મજુરાગેટ વિસ્તારમાં રહેતી અને મૂળ નેપાળની મહિલાને તેની જ બેદરકારી ભારે પડી હતી. બીડી પીવાની ટેવ ધરાવતી મહિલાએ બીડી સળગાવ્યા બાદ ફેંકેલી સળગતી દિવાસળી હવાના કારણે તેણે પહેરેલી નાઈટી પર પડી હતી. તેથી નાઈટી સળગતા મહિલા પણ ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેનીનું સારવાર દરમિયાન પાંચમાં દિવસે મોત નિપજ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મૂળ નેપાળના દિનસિંગ પત્ની નર્મદાબેન સાથે સુરતમાં વર્ષોથી રહે છે. તેઓ હાલમાં મજુરાગેટ વિસ્તારમાં કૈલાસનગરમાં રહે છે.

નર્મદાબેનના અન્ય પરિવારજનો નેપાળમાં રહે છે નર્મદાબેન ઘરકામ કરે છે અને દિનસિંગ વોચમેન તરીકે નોકરી કરે છે. નર્મદાબેનને બીડી પીવાની ટેવ હતી. 10મી તારીખે રાત્રે નર્મદાબેને પીવા માટે બીડી સળગાવી હતી. બીડી સળગાવ્યા બાદ તે સળગેલી માચીસ ફેંકી હતી. જે પવનના કારણે તે રૂમની બહાર જવાના બદલે ઘરમાં નર્મદાબેનની નાઈટી પર પડી હતી. તેના કારણે નાઈટી સળગતા નર્મદાબેન પણ ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ત્યાં સારવાર દરમિયાન શનિવારે બપોરે નર્મદાબેનનું મોત નિપજ્યું હતું. અઠવા લાઈન્સ પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. નર્મદાબેનના અન્ય પરિવારજનો નેપાળમાં રહે છે.