જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, સભાખંડ ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનો સન્માન સમારોહ યોજાયો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કે.સી.સંપટે જણાવ્યું હતું કે, દેશની આઝાદીમાં યોગદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને ઉજાગર કરવાના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશને આઝાદી અપાવવા માટે તન, મન, ધન સહિત પોતાનું સર્વસ્વ હોમી દીધું હતુ. જેના પરિણામે આપણને આ મહામૂલી આઝાદી મળી છે. ભારત આજે વિશ્વની સૌથી મોટામાં મોટી લોકશાહી તરીકે ઉભરી રહ્યું છે. આ લોકશાહી જીવંત રહી એના પાયામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ છે. વધુમાં જિલ્લા કલેક્ટરે ઉપસ્થિત સૌ લોકોને જિલ્લાના સ્વાતંત્ર્ય સૈનિકોની વિગતો આપવા માટે જાણ કરી હતી.જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલે આ કાર્યક્રમની આભાર વિધિ કરી હતી. જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવોએ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોને સાલ ઓઢાડી, મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી સરદારસિંહ રાણા, રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી, શ્રી મણિલાલ વલ્લભભાઈ કોઠારી, શ્રી સ્વામી શિવાનંદજી, શ્રી ચમનભાઈ માધવરાય વૈષ્ણવ, શ્રી મોતીભાઈ પરમાર, શ્રી પ્રાણજીવન ભાઈશંકર આચાર્ય, શ્રી અનોપચંદ મૂળચંદ શાહ, શ્રી ગિરધરલાલ નાગરદાસ શાહ, શ્રી વેણીરામ રૂગનાથજી મહેતા, શ્રી ડાહ્યાલાલ હરગોવિંદભાઈ જાની, શ્રી કાનજીભાઈ ગીરધરલાલ ભાડેલીયા, શ્રી શાંતિલાલ ચત્રભુજ શાહ, શ્રી કાંતિલાલ મહેતા, શ્રી પ્રભુદાસ ધરમશીભાઈ પટેલના પરિવારજનોનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.