*પાંચાળ પંથકનો પ્રસિદ્ધ તરણેતરનો મેળો આરંભાશે*
સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પંથકમાં આવેલા શ્રી ત્રીનેત્રેશ્વર મહાદેવજીનાં મંદિરે પ્રતિવર્ષ ભાતીગળ મેળો ભરાય છે, જે તરણેતરના મેળા તરીકે જગ વિખ્યાત છે. મહાદેવજીનાં મંદિરે ભાદરવા સુદ ચોથના દિવસે બાવનગજની ધજા ચડે છે. ધ્વજારોહણની આ પરંપરા ૨૦૦ વર્ષથી આરંભાએલી છે. એ વખતે ગાદીપતિ શ્રી લક્ષ્મણ બાપુએ મસ્તક પરથી પોતાની પાઘડી છોડીને મંદિર પર બાવનગજની ધજા ચડાવી હતી. એ પરંપરા આજે પણ ચાલુ છે. ચાલુ વર્ષે વિહળધામ જગ્યાના મહંત મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પૂજનિયા નિર્મળાબાના પાવન હસ્તે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પર ધ્વજારોહણ થશે. પરંપરા મુજબ, આ ધજા ચડે એ પહેલા મેળો શરૂ થતો નથી. પૂજ્ય બા દ્વારા ધ્વજારોહણ થયા બાદ મેળાનો વિધિવત્ પ્રારંભ થશે.
કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતમાં તો આ મેળો પ્રસિદ્ધ છે જ, પણ ભારતભરમાંથી મેળો માણવા લોકો ઉમટી પડે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની મેળા- પ્રિય જનતા ભાદરવા સુદ ચોથની રાહ જોઇ રહી છે.