દાહોદ, તા. ૨૬ : જિલ્લા સેવા સદન ખાતે આવેલા સભાગૃહમાં આજે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં ગણેશ મંડળના સંચાલકો સાથેની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ગણેશ વિર્સજનના સ્થળ બાબતે ગણેશ ઉત્સવના આયોજકો સાથે સર્વસંમતિ સાધવામાં આવી હતી. જેમાં જિલ્લા સેવા સદન ખાતે બહારની તરફ આવેલા સ્થળને ગણેશ વિર્સજન માટેનું સ્થળ ઠરાવવામાં આવ્યું હતું. આ વર્ષે કલેક્ટર કચેરીની બહારના ભાગે આવેલા સ્થળે ગણેશ વિર્સજન કરાશે અને આ માટેનું કૃત્રિમ તળાવ ઊભું કરાશે તેમ ઉપસ્થિત પત્રકારશ્રીઓને માહિતી આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.

 આ બેઠકમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ દાહોદ નગરમાં ગણેશ વિર્સજન માટેના ઘણાં સ્થળોએ તપાસ કર્યા બાદ આખરે કલેક્ટર કચેરી બહાર આવેલા સ્થળને પસંદ કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, પાણીના કુદરતી સ્ત્રોત ખાતે ગણેશ વિર્સજન કરવા ઉપર પ્રતિબંધ હોય છાબ તળાવ ખાતે ગણેશ વિર્સજન નહી કરી શકાય. નગરના અન્ય વિસ્તારોમાં ટ્રાફિક સહિતની સમસ્યાઓ જોતા કલેક્ટર કચેરી ખાતેના બહારના ભાગે કૃત્રિમ તળાવ બનાવવાનું ઠરાવાયું છે.

 તેમણે જણાવાયું કે, કલેક્ટર કચેરીના બહાર આવેલા સ્થળે નાગરિકો સરળતાથી ગણેશ વિર્સજન કરી શકે તે માટેની તમામ સુવિધાઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી આપવામાં આવશે. તેમજ નગરમાં ગણેશ વિર્સજન માટેનો રૂટ પણ જળવાઇ રહેશે. આ સ્થળ અત્યારના તબક્કે તમામ રીતે ગણેશ વિર્સજન માટે યોગ્ય છે અને પ્રશાસન દ્વારા અહીં ટ્રાફિક વ્યવસ્થા સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવશે. 

બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા, એએસપી શ્રી વિજયસિંહ ગુર્જર, નગર પાલિકા પ્રમુખ સુશ્રી રીનાબેન પંચાલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર સહિતના અધિકારીશ્રીઓ, અગ્રણી શ્રી સુધીરભાઇ લાલપુરવાલા તેમજ ગણેશ મંડળના આયોજકો ઉપસ્થિત રહ્યાં હતા.