નવજીવન ન્યૂઝ. જામનગર: ગુજરાતની મહિલાઓ અન્ય રાજ્યોની સરખામણીમાં સુરક્ષિત છે તેવી વાતો રાજનેતાઓ હંમેશા કરતાં આવ્યા છે, પણ તેનાથી વિપરીત મહિલાઓનું શોષણ અને છેડતીની ઘટનાઓ સતત ગુજરાતમાં સામે આવતી રહે છે. જામનગરમાં તો આજે એક મહિલાએ સમાજના રક્ષક એવા પોલીસ કર્મચારી સામે જ છેડતીની ફરિયાદ નોંધાવી છે, જે ચોંકાવનારી વાત છે. કારણ કે મુશ્કેલીના સમયે મહિલાઓ જે પોલીસ કર્મચારીઓની મદદની આશા રાખે છે તેવો પોલીસ કર્મચારી જ જો મહિલાની છેડતી કરે તો મહિલા સુરક્ષા માટે કોની પાસે જાય?

ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ, ફરિયાદી માહિલા ગતરાત્રે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાનાં નરમાણા ગામમાં રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન તે ગામનો રહેવાસી અને શેઠવડળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કર્મચારી પૃથ્વીરાજસિંહ જાડેજાએ મહિલાને રસ્તામાં રોકીને તેમની છેડતી કરી હતી. બાદમાં ફરિયાદ નહીં કરવા માટે અને સમાધાન માટે પણ ચર્ચાઓ થઈ હતી.
 
મહિલાએ પોતાના ઘરે સમાધાન કરવા માટે આવવાનું કહેતા આરોપી પોલીસ કર્મચારીએ મહિલાને લાફો માર્યો હતો. આ ઘટના મામલે પીડિત મહિલાએ પોલીસ કર્મચારી વિરૂધ્ધ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાતા ઘટના પ્રકાશમાં આવી છે.
 
પોલીસ ફરિયાદમાં પીડિત મહિલાએ જણાવ્યું છે કે, તે પોતાના પુત્ર સાથે એક્ટિવા પર પસાર થઈ રહ્યાં હતા. દરમિયાન રસ્તા પર પોલીસકર્મીએ તેમને રોક્યા હતા. રોકી તેમનો આરોપી પોલીસકર્મીએ હાથ પકડી લઈ કહ્યું કે 'હાલ આપણા બેયનું ગોઠવવું છે'. છેડતી અને આબરુ લેવાના ઈરાદાને કારણે પીડિત મહિલાના પુત્રએ હંગામો કર્યો હતો.
 
આ મામલો આખરે શેઠવડાળા પોલીસ મથકે પહોચતા પોલીસ કર્મચારી પૃથ્વીરાજસિંહ દિલુભા જાડેજા વિરૂધ્ધ IPCકલમ 354 A, અને 323 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવને લઈને જામજોધપુર પંથક સહીત જામનગર પોલીસબેડામાં ચકચાર જાગી છે.

https://www.navajivan.in/gujarat-jamnagar-news-women-harassment-case-fir-against-police-jamnagar-police-navajivan-news/