દેશની સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતી ફ્રીના વાયદા પર દરેક પક્ષોએ સાથે મળીને ગંભીર ચર્ચા કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે આ મામલે એક સર્વપક્ષીય બેઠક બોલાવવાનું સૂચન કર્યું હતું. કોર્ટે કહ્યું કે ફ્રી ની લ્હાણીઓ કે ફ્રી ના વાયદાઓ અને વચનોથી દેશના અર્થતત્રને નુકસાન પહોંચાડવામાં આવે છે અને આ પ્રથા બંધ કરી દેવી જોઈએ એવો નિર્ણય રાજકીય પક્ષો દ્વારા સર્વ સંમિતિથી કરવામાં આવે.

દેશમાં ચૂંટણી સમયે રાજકીય પક્ષો જ આવા વચનો આપીને ચૂંટણી લડી રહ્યા છે અને કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે ભારત સરકાર આ મુદ્દે સર્વપક્ષીય બેઠક શા માટે બોલવાતી નથી? આ મામલે ચર્ચા થવી જ જોઈએ. આ સમસ્યા ખુબ જ ગંભીર છે તેમાં કોઈ શંકા નથી. સવાલ એ છે કે દેશના તમામ રાજકીય પક્ષો સાથે આવે અને કેન્દ્ર સરકાર આ મુદ્દે બેઠક બોલાવી શકે. 

ચીફ જસ્ટિસ એન. વી રમના, જસ્ટિસ હીમા કોહલી અને સી ટી રવિકુમારની બેન્ચે આ ટિપ્પણી કરી હતી. ચૂંટણી વખતે આવા ફ્રી ચીજોના વચનોનો વિરોધ કરતી એક અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે સપષ્ટ મત વ્યક્ત કર્યો હતો. અરજી કરનાર અશ્વિની કુમાર ઉપાધ્યાય તરફથી સિનિયર એડવોકેટ વિકાસ સિંઘ'હાજર રહ્યા હતા. તેમણે સૂચન કર્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિવૃત ચીફ જસ્ટિસ આર એમ લોધા જેવા નિષ્ણાતને આ મુદ્દે રચાનારી સમિતિના અધ્યક્ષ બનાવવા જોઈએ.