લવ જેહાદનો કિસ્સો બનતાં પરિવાર સાથે પોલીસ પણ આરોપીઓને શોધવા માટે દોડતી થઈ ગઈ છે. શહેરના કૃષ્ણનગરમાં રહેતી યુવતી સોમવારે સાંજે ઘરેથી રોકડ રકમ તથા જરૂરી કાગળો લઈને જતી રહેતાં માતાએ સિટી એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપી છે, જેમાં અમન પાર્કમાં રહેતો યુવાન દીકરીને ભગાડી ગયાનો આક્ષેપ કરાયો છે.સુરેન્દ્રનગરમાં બનેલા બનાવ અંગે યુવતીની માતાએ પોલીસમાં અરજી આપી હતી, એ અરજીની વિગતો પ્રમાણે તેમની દીકરી સોમવારે સાંજે 7.30 વાગ્યાના અરસામાં ઘરેથી રૂ. 5 હજાર અને તેના જરૂરી કાગળો લઈને ઘરેથી ચાલી ગઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમની દીકરીને અમન પાર્કમાં રહેતો સોહીલ નામનો શખ્સ લગ્ન કરવાના ઇરાદે લલચાવીને લઈ ગયો છે. આ બાબતે વધુમાં દીકરીનાં માતાએ જણાવ્યું કે 6થી 8 મહિના પહેલાં દીકરીને સબંધ હોવાની અમને જાણ થઈ હતી. આ બાબતે અમે તેને સમજાવી પણ હતી.દરમિયાન સોમવારે તેનું સોહીલ સાથેનું એફિડેવિટ મળતાં તેને સમજાવી હતી. બાદમાં હું દુકાને ગઈ ત્યારે તે ઘરેથી જતી રહી હતી. આથી અમે પોલીસને જાણ કરી હતી. પોલીસે મોબાઇલ નંબરના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં રાતના 9.45ના અરસામાં તેનો મોબાઇલ ચાલુ થયો હતો, જેનું લોકેશન સુરેન્દ્રનગરનું જ આવતું હતું. અરજીના આધારે પોલીસે બંનેને શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.મહત્ત્વનું છે કે સુરેન્દ્રનગરની હિંદુ યુવતીને શહેરનો જ મુસ્લિમ યુવક ભગાડી ગયો હોવાની વાત સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુવતીનું એફિડેવિટ સોશિયલ મીડિયામાં ફરવા લાગતાં લવજેહાદની ચાડી ખાતી સમગ્ર ઘટના બહાર આવી હતી. આ ઘટનાને પગલે સુરેન્દ્રનગર સહિત સમગ્ર જિલ્લામાં ઊહાપોહ મચી ગયો છે. હિંદુ સંગઠનો અને આગેવાનોમાં પણ આ ઘટનાને પગલે રોષ ફેલાયો છે.સાથે જ યુવતીની માતાએ પોલીસમાં અરજી આપ્યા બાદ આ અંગે બનતી ત્વરાએ યુવતીને શોધીને હેમખેમ પાછી લાવવા માટે સુરેન્દ્રનગરની પોલીસ પણ ગંભીર બની છે. પોલીસે અરજી મળ્યાના ગણતરીના સમયમાં જ યુવતીનો શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.