કઠલાલ પંથકમાં પાછલા દિવસોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને કઠલાલ તાલુકાના અભરીપુર ગામમાં ઘૂંટણ થી લઈ કેડસમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા.તંત્ર દ્વારા આ પાણીનો નિકાલ કરવાની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલ આ પાણી ધીમે ધીમે ગામમાંથી ઓસરી રહ્યા છે. સતત વરસાદના કારણે અભરીપુર તેમજ આસપાસના વિસ્તારમાં ભરાયેલ વરસાદી પાણીના કારણે કેટલાક મકાનો ધરાશાયી થયા છે તો કેટલાક મકાનોની દિવાલો પડી ગઈ છે અને ખેતીના પાકોને પણ નુકસાન આ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. અભરીપુરા વિસ્તારમા આશરે ૪૦ વીઘા થી વધુ જમીનમાં ડાંગર,મગફળી અને જાર જેવા પાકોમાં પાણી ભરાઈ જવાથી પાક કોહવાઈ જવાની હાલત થઈ છે અને જગતનો તાત ચિંતિત બન્યો છે અને ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. હાલ તો અભરીપુરના ગ્રામજનો ઇચ્છી રહ્યા છે કે વરસાદી પાણીના કારણે થયેલ મકાનોના નુકસાન તથા ખેતીના નુકસાન નો સરકાર અને તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે અને નુકસાની નું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તો સ્થાનિકોને થોડી રાહત થાય તેમ છે.