સેમી કન્ડકટર મિશન દ્વારા મૂડી સહાયના 40 ટકાના દરે વધારાની સહાય રાજ્ય સરકાર આપશે
સેમિકન્ડક્ટર પોલિસી દેશમાં મેન્યુફેક્ચરિંગ બેઝને મજબૂત બનાવશે
સેમિકન્ડક્ટર્સને અબજો ઉત્પાદનોનું હૃદય માનવામાં આવે છે

ગુજરાતમાં ચિપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારોને આકર્ષવા માટે સરકાર દ્વાર મહત્વની પોલિસી જાહેર કરવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા સેમી કન્ડકટર નિતી જાહેર કરવામાં આવી છે. આ પોલિસી જાહેર થતા જ ડિસપ્લે ઉપકરણ માટે સહાય નીતિ જાહેર કરનાર ગુજરાત દેશનું પહેલુ રાજ્ય બન્યુ છે. આ અંગે જાહેરાત કરતા જીતુ વાઘાણીએ જણાવ્યું કે ભારત સરકારની ઇન્ડિયા સેમી કન્ડકટર મિશન દ્વારા મૂડી સહાયના 40 ટકાના દરે વધારાની સહાય રાજ્ય સરકાર આપશે. આ માટે ધોલેરા ખાતે સેમિકોન સીટી સ્થાપવામાં આવશે. 200 એકર જમીન ખરીદી પર 75 ટકા સબસીડી પણ જાહેર કરવામાં આવી છે. પહેલા 5 વર્ષમાં પ્રતિ ઘન પાણી 12 રૂપિયામાં પુરુ પાડવામાં આવશે. સરકારની આ પોલિસીથી આગામી 5 વર્ષમાં 2 લાખ લોકોને રોજગારી મળવાનો અંદાજ હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું .


મોદી સરકાર ભારતને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવા માંગે છે. દેશમાં ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઘણી PLI (production linked incentive) યોજનાઓ લાવી છે. સેમિકન્ડક્ટર પોલિસી દેશમાં મેન્યુફેક્ચરિંગ બેઝને મજબૂત બનાવશે. સરકાર ડિસ્પ્લે માટે 1 થી 2 ફેબ યુનિટ સ્થાપવાનું લક્ષ્ય રાખે છે. ઘટકોની ડિઝાઇન અને ઉત્પાદન માટે 10 એકમો સ્થાપવાની યોજના છે.

છેલ્લા કેટલાક સમયથી દેશ અને દુનિયામાં ચિપની અછતને કારણે ઘણા ઉદ્યોગોમાં ઉત્પાદન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. એવું માનવામાં આવે છે કે આવતા વર્ષે આ સંકટ વધુ ઘેરું બની શકે છે. નિષ્ણાતોના મતે, વૈશ્વિક ચિપ સપ્લાયમાં ઘટાડાને કારણે ઓછામાં ઓછા 169 ઉદ્યોગો પ્રભાવિત થયા છે. 2022 સુધી આનો કોઈ ઉકેલ આવે તેમ લાગતું નથી. ચિપ સંકટ પહેલાથી જ યુએસ જેવી મોટી અર્થવ્યવસ્થાઓને અસર કરવાનું શરૂ કરી દીધું છે. સેમિકન્ડક્ટર્સને અબજો ઉત્પાદનોનું હૃદય માનવામાં આવે છે. આમાં સ્માર્ટફોન, ડેટા સેન્ટર્સ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ, સ્માર્ટ ઉપકરણો, વાહનો, ઘરગથ્થુ ઉપકરણો, જીવન રક્ષક ફાર્માસ્યુટિકલ ઉપકરણો, એગ્રી ટેક, એટીએમ અને અન્ય ઘણા બધાનો સમાવેશ થાય છે.


મહત્વનું છે કે દેશમાં સેમિકન્ડક્ટર ચિપ્સની અછતને પહોંચી વળવા માટે મોદી સરકારે દ્વારા 76,000 કરોડની મહત્ત્વાકાંક્ષી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત આગામી 6 વર્ષમાં દેશમાં સેમિકન્ડક્ટર ચિપ્સની સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવશે. જેમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન, ઘટકોનું ઉત્પાદન અને ડિસ્પ્લે ફેબ્રિકેશન એકમોની સ્થાપનાનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ યોજનાને વિગતવાર સમજાવતા જણાવ્યું હતું કે દેશમાં સેમિકન્ડક્ટર ચિપ્સની ડિઝાઇન, ફેબ્રિકેશન, પેકેજિંગ, ટેસ્ટિંગ અને સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવશે. આ માટે 76 હજાર કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપવામાં આવી છે. ભારતને વૈશ્વિક હબ બનાવવા માટે 2.3 લાખ કરોડ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. તેને મિશન મોડમાં ચલાવવા માટે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની સ્થાપના કરવામાં આવશે.