અમદાવાદ
ગુનેગારોને હવે પોલીસનો કોઈ ડર રહ્યો નથી. શહેરના વાડજ વિસ્તારમાં કેટલાક ટપોરીઓ હાથમાં ખુલ્લી તલવારો લઈને ફરી રહ્યા છે. તેઓ તસવારનો ડર બતાવી લોકોને પરેશાન કરી રહ્યા છે. કેટલાક લોકોને તલવારો મારી હોવાના ચોકાવનારો બનાવો વાડજ વિસ્તારમાં બન્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સમગ્ર મામલે હાલ વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગઈકાલે મોડી રાતે બનેલા બનાવથી આ વિસ્તારના લોકો ફફડી ઉઠ્યા છે. પોલીસ હજી સુધી આ આરોપીઓની ધરપકડ કરી શકી નથી.
વાડજ વિસ્તારમાં અનેક ગેરકાનૂની પ્રવૃત્તિઓ થતી હતી પરંતુ ગુનેગારો પર પોલીસનો સહેજ પણ કંટ્રોલ નહીં રહેતા આ વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓને મધ્યસ્થી કરવી પડી રહી છે. નિલેશ પરમાર નામના યુવાને વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મિત્રએ નિર્ણયનગર પાસે પાનનો ગલ્લો શરૂ કર્યો હતો. જ્યાં તે અને તેના મિત્રો બેઠા હતા. આ દરમિયાન કેટલાક લોકો ત્યાં રાતે 11:30 વાગ્યાના અરસામાં પહોંચી ગયા હતા અને કેમ દુકાન ચાલુ રાખી છે ચાલો બંધ કરો કહીને ધમકાવવા લાગ્યા હતા. આ બધી વાતચીત ચાલી રહી હતી એ દરમિયાન આ લોકોની સાથે આવેલા કુલ સાત લોકો પોતાના હાથમાં ખુલ્લી તલવારો લઈને આવ્યા હતા. જેમણે ગલ્લા ઉપર તલવારો મારી હતી તેમજ એક તલવાર નિલેશભાઈના માથાના ભાગે વાગી હતી. આ લોકો ચીચીયારીઓ પાડતા આવ્યા હતા. આ દરમિયાન હુમલો થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. જેથી આ ટપોરીઓ ત્યાંથી ભાગી ગયા હતા. હાલ સમગ્ર બનાવવા અંગે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાડજ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હોય છે ત્યારે સ્થાનિક પોલીસ કે પોલીસ ઇન્સ્પેક્ટરનો સહેજ પણ કંટ્રોલ નહીં હોવાથી આવા અસામાજિક તત્વો મોટા બને છે જેના કારણે સામાન્ય લોકોને પરેશાન થવું પડે છે. આ સમગ્ર મામલાની નોંધ ઉચ્ચ અધિકારીઓએ ગંભીરતાથી લીધી છે અને આરોપીઓને પકડવા માટે સૂચના આપી છે. બીજી તરફ સતત નિષ્ફળ રહેલા પોલીસ કર્મચારીઓને કારણે તેમની પણ ગંભીર નોંધ લેવામાં આવી છે