અમદાવાદ 

શહેરના પાલડી સ્થિત શારદાનગર સોસાયટીમાં રહેતી મહિલાએ તેના ભાઈ સહિત ચાર લોકો સાથે મળીને તેના સસરા જીવીત હોવા છતા  મૃતક દર્શાવીને મિલકત મેળવવા માટે વારસાઈમાં નામ ઉમેરીને છેતરપિંડી કર્યાની ચોંકાવનારી ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પતિના મૃત્યુ બાદ તેના હકના 30 કરોડ લઈ લીધા બાદ પણ,  મહિલાએ સાસરિયાની અન્ય મિલકતોમાં ખોટા દસ્તાવેજોના આધારે નામ દાખલ કરાવ્યુ હતુ. આ તપાસમાં અન્ય મોટા ખૂલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. સમગ્ર મામલે સરખેજ પોલીસે મહિલા સહિત ચાર લોકો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના આંબલી વિસ્તારમાં અભીશ્રી રેસિડેન્સીની બાજુમાં રહેતા અમરીશ પટેલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની વિગત અનુસાર 5 જૂન 2020ના રોજ તેમના ભાઈ ચિંતન પટેલનું હાર્ટ એટેકના કારણે મોત થયુ હતુ. જેના વીમાની રકમ મૃતક ચિંતનના માતાના ખાતામાં જમા થઈ હતી. જે ચિંતનના પત્ની બીના અને તેની બંને પુત્રીઓને આપવાનુ પરિવારજનોએ જાહેર કર્યુ હતુ. ત્યારે પતિના વીમાના  30 કરોડ મેળવી લીધા બાદ પણ સાસરિયાઓની મિલકત પચાવી પાડવા કાવતરું રચ્યુ હતુ. પુત્રવધુ બીના પટેલે જમીનનું કામ કરતા રમેશ મેશિયા, તલાટી અને તેના ભાઈ સાથે મળીને આંબલીની તલાટી કચેરીમાં સસરા જગદીશ પટેલ મૃત્યુ પામ્યા હોય તેવુ દર્શાવી પતિ ચિંતન પટેલના મૃત્યુનુ સર્ટિફિકેટ રજૂ કરી જગદીશ પટેલની માલિકીની તમામ મિલકતોમાં પોતે અને તેની બે દીકરીઓને વારસદાર કરી તે એન્ટ્રી કરાવી નાખી હતી. મૃતક ચિંતનના ભાઈ અમરિશ પટેલે ઓનલાઈન તેમના પિતાની માલિકીનો સાતબારનો ઉતારો ચેક કરતા આ સમગ્ર બાબત ખુલી હતી. તપાસ કરતા બીનાએ પોતાના મળતિયાઓ સાથે મળીને મિલકત પચાવી પાડવા માટે આ ગુનાહિત કૃ્ત્યને અંજામ આપ્યો હોવાનુ સામે આવ્યુ હતુ. જેથી અમરિશ પટેલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે મહિલાએ મિલકતમાં નામ ઉમેરવાના સોગંદનામામાં સાક્ષી તરીકે મિતેષ હિંમતભાઈ પટેલ, અને દશરથ આમરીયાના નામ હતા અને રમેશભાઈ મેશીયા નામના વ્યક્તિએ પણ તેમને મદદ કરી હતી.એટલુ જ નહીં અન્ય મિલકતોમાં પણ દાવો કરવા અને નામ ઉમેરવા માટે બીના પટેલે અરજી કરી હતી. જો કે બાદમાં વકીલ દ્વારા તમામ નોંધ રદ કરાવીને તેમના સસરા જગદીશભાઈએ મિલકત અમરીશ પટેલના નામે કરી આપી હતી. બીનાએ મહિલા આયોગમાં પણ મિલકતમાં હક્ક હિસ્સો લેવા માટે અરજી કરી હતી. જૂલાઈ 2022માં બીનાએ તેના સાસરિયાઓ સામે ઘરેલુ હિંસાનો પણ કેસ કર્યો હતો.