અમદાવાદ તા.22 
શહેરના શહેરકોટડામાં આજે ખુલ્લેઆમ ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. કોઇ જૂની અદાવતમાં ફાયરિંગ થયું હોવાની જાણવા મળી રહ્યું છે. સહદેવસિંહ તોમર નામના શખ્સે ફાયરિંગ કરતા દિલીપસિંહ ચૌહાણ નામના યુવકને ગોળી વાગી હતી. હાલમાં આ ઘટનાને લઇને પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. આ સાથે ઇજાગ્રસ્ત વ્યકિતને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત દિલીપસિંહ ચૌહાણને ગળાના ભાગે ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પોલીસનો કાફલો પહોંચી ગયો હતો. હાલમાં FSL દ્વારા ઘટનાસ્થળેથી પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યાં છે. હાલમાં આ મામલે હાલ પોલીસે આરોપી સહદેવસિંહને પકડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
રાજ્યમાં ક્યારેક ચોરી-લૂંટફાંટની ઘટનાઓમાં તો ક્યારેક કોઇક જૂની અદાવતમાં ફાયરિંગ કર્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. રવિવારે રાતે સરસપુર વિસ્તારમાં આવેલી ગાભાવાડી ચાલી પાસે દિલીપસિંહ નામનો યુવક હાજર હતો, ત્યારે સહદેવસિંહ તોમર નામનો એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને તેને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હતી. આ ગોળી દિલીપસિંહને ગળાના ભાગે વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો. હાલ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેનું ઓપરેશન ચાલી રહ્યું છે. બીજી તરફ આરોપી ફાયરિંગ કરીને ભાગી ગયો હતો. ચોંકાવનારી બાબત એ છે કે છેલ્લા એક સપ્તાહથી શહેર કોટડા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરથી ચાલી રહ્યું છે, ત્યારે આ વિસ્તારમાં ગુનેગારો માથું ઊંચકે તે સ્વાભાવિક છે.આ મામલે હાલ પોલીસે આરોપી સહદેવસિંહને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. જ્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફાયરિંગ અંગત અદાવતમાં થયું હતું. પોલીસ કમિશનર શહેર કોટડા પોલીસ સ્ટેશન અને માધુપુરા પોલીસ સ્ટેશનને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરથી ચલાવી રહ્યા છે. તેમજ રેગ્યુલર પોસ્ટિંગ આપવાની તસ્દી પણ લેવામાં આવતી નથી. આમ હવે ઇન્ચાર્જથી ચાલતા પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ જેવા બનાવો બની રહ્યા છે, ઘણા પોલીસ ઇન્સ્પેક્ટર લિવ રિઝર્વમાં છે પણ તેમને કેમ પોસ્ટિંગ આપવામાં નથી આવતું તે ખૂબ ચોંકાવનારી બાબત છે.