સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નાનકડા ગામ વાવ ગામમાં ૧૮૮૩ના વર્ષમાં શરૂ થયેલી પ્રાથમિક શાળાને રૂ.બે કરોડનું દાન મેળવી મોટી કોલેજના આધુનિક ભવન જેવી આધુનિક સુવિધાથી સજજ કરવાનું કામ એક આદર્શ શિક્ષિકા આચાર્યા એવા પ્રજ્ઞાબહેન પટેલ તથા તેમના સહકર્મચારીઓના ફાળે જાય છે. શાળાને અસંખ્ય એવોર્ડ મળ્યા, વિદ્યાર્થીઓ પણ તેજસ્વી હોય શિક્ષણનું સ્તર ઊંચુ આવ્યું છે.

આ પ્રાથમિક શાળામાં ૨૦૧૨ માં HTAT તરીકે ફરજમાં જોડાયેલા આચાર્ય પ્રજ્ઞાબહેન પટેલ તેમના સહકર્મચારીઓની મદદથી જૂની અને અસુવિધાઓવાળી પ્રા.શાળાને સુવિધાથી સજજ કરવાના સંકલ્પ સાથે આગળ વધ્યા અને ગામમાંથી જ રૂ.બે કરોડનું દાન મેળવી અત્યંત આધુનિક અને સુવિધાયુક્ત નવી શાળા બનાવવામાં સફળતા મેળવી. આજે વાવ ગામની પ્રા.શાળા રાજ્યભરમાં ખ્યાતિ ધરાવે છે. જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. એસ. ગઢવી પણ અધિકારીઓ સાથે આ શાળાની મુલાકાત લઈ ખૂબ પ્રભાવિત થયા હતા.

આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે સ્વાતંત્ર્ય પર્વ દિને પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, કલેકટરશ્રી  આયુષ ઓક અને ડી.ડી.ઓશ્રી ડી.એસ.ગઢવીના હસ્તે શ્રેષ્ઠ ગુરુજી સન્માન હેઠળ આ મહિલા આચાર્ય પ્રજ્ઞાબહેન પટેલનું સન્માન કરાયું.

આ નાનકડા વાવ ગામની પ્રા.શાળાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં “લાઇફ સેલ” કૃતિમાં રાષ્ટ્ર કક્ષાએ ભાગીદારી નોંધાવી,જે રાજ્ય કક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ બાદ રાષ્ટ્રકક્ષાએ પસંદગી પામી હતી. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં “સોયલેન્ટ પ્રોજેક્ટ  ઉપરાંત “ધરતી ઉપરનું જાદુઈ વૃક્ષ સરગવો” “સ્પાયુરૂલીના ફૂડ ફોર ફીચર”, “પૃથ્વી ઉપરનું સંજીવની બીજ અળસી”, “મેઝિક મોડેલ ફોર બેઝિક મેથ્સ” જેવા પ્રોજેક્ટ સાથે સતત ૬ વર્ષ સુધી રાજ્યકક્ષાએ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ ઉપરાંત “બેઝિક મોડેલ ફોર મેથ્સ” ઈનોવેશનમા રાજ્ય કક્ષાએ ભાગીદારી, “નૃત્ય સ્પર્ધા”માં પણ રાજ્યકક્ષાએ ભાગીદારી, રાજ્યકક્ષાનો ‘ગુરૂ ગૌરવ એવોર્ડ” જ્યારે જીલ્લા તાલુકા કક્ષાએ મોટી સંખ્યામાં એવોર્ડ આ પ્રાથમિક શાળાને પ્રાપ્ત થયા છે.

આ ઉપરાંત ૩૨ સી.સી. ટી.વી.કેમેરા અને ઈન્ટરનેટ, આધુનિક કમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, એક્ટિવિટી રૂમ, ઓડિયો વિઝયુઅલ ખંડ, વિજ્ઞાન પ્રયોગશાળા, વિવિધ વિષયો આધારિત વર્ગખંડ, દિવ્યાંગ, અનાથ બાળકોને સહાય માટે દાતા, રમત-ગમત વ્યવસ્થા, મધ્યાહન ભોજન તિથિ ભોજન, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અલગ વ્યવસ્થા, એક મોટો હોલ સહિત અનેક સુવિધાઓ અહીં ઉભી કરવામાં આવી છે, અને બાળકો તેનો સુચારૂ ઉપયોગ કરે છે.

વર્ષ ૨૦૨૨માં સાંદીપનિ મુનિ આશ્રમ-પોરબંદર ખાતે પ.પુ.રમેશભાઈજીના હસ્તે વર્ષ-૨૦૨૨-૨૩નો “ગુરૂ ગૌરવ એવોર્ડ” આચાર્ય પ્રજ્ઞાબહેનને તેમના શૈક્ષણિક નવાચાર અને કોરોના સમયમાં કરેલ શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે અર્પણ કરવામાં આવ્યો હતો.