ન્યૂઝીલેન્ડે 3 મેચની શ્રેણીની છેલ્લી ODIમાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હરાવ્યું અને શ્રેણી 2-1થી જીતી લીધી. વેસ્ટ ઈન્ડિઝે શ્રેણીની પ્રથમ મેચ 5 વિકેટે જીતી હતી, જ્યારે વરસાદગ્રસ્ત બીજી વનડે ન્યૂઝીલેન્ડે 50 રને જીતી હતી. ન્યૂઝીલેન્ડે પણ આ સીરીઝ જીતીને ઈતિહાસ રચ્યો છે. ન્યુઝીલેન્ડની ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં 37 વર્ષથી ODI રમી રહી છે, પરંતુ કેરેબિયન ધરતી પર પ્રથમ વખત દ્વિપક્ષીય ODI શ્રેણી જીતી છે.

જ્યારે ન્યૂઝીલેન્ડે આ સીરીઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો, ત્યારે વેસ્ટ ઈન્ડિઝના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. વેસ્ટ ઈન્ડિઝ વર્ષ 2022માં સૌથી વધુ ODI મેચ હારી ચુકેલી ટીમ બની છે. 2022માં ODI ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝની આ 16મી હાર છે. આ મામલામાં નેધરલેન્ડની ટીમ બીજા નંબર પર છે.

નેધરલેન્ડ 2022માં 15 વનડે હારી ચૂક્યું છે. વર્ષ 2022માં 9 મેચ હારી ચૂકેલી નેપાળની ટીમ ત્રીજા નંબર પર છે. વર્ષ 2022માં બાંગ્લાદેશ (6)ને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે આયર્લેન્ડે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 12 મેચ હારી છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ન્યૂઝીલેન્ડની ઐતિહાસિક જીતમાં, તેના ઓલરાઉન્ડર જેમ્સ નીશમે 300ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા અને એક વિકેટ લીધી. કેપ્ટન અને વિકેટકીપર ટોમ લાથમે પણ રમતનું શાનદાર પ્રદર્શન કર્યું. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે કિવિ સ્પિનર ​​મિચેલ સેન્ટનરને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

જેમ્સ નીશમ ઘણા વર્ષોથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)નો ભાગ છે. તે 2014માં દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) માટે રમ્યો હતો. આ પછી, તે આઈપીએલ 2020માં કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ), 2021માં મુંબઈ ઈન્ડિયન્સ અને 2022માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો છે.

તેણે અત્યાર સુધીમાં 68 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં તેણે 28.83ની એવરેજથી 1355 રન અને 6.09ની ઈકોનોમીથી 69 વિકેટ ઝડપી છે. તે અત્યાર સુધીમાં 48 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 25.29ની એવરેજથી 607 રન અને 9.16ની ઈકોનોમીથી 25 વિકેટ ઝડપી છે.

આ સિવાય જેમ્સ નિશમે 12 ટેસ્ટ મેચોમાં ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. જેમાં તેણે 33.76ની એવરેજથી 709 રન અને 3.76ની ઈકોનોમીથી 14 વિકેટ ઝડપી છે. બાર્બાડોસના બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ મેદાનમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

જોકે, ન્યૂઝીલેન્ડના કેપ્ટનનો આ નિર્ણય બહુ સાચો સાબિત થયો ન હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 8 વિકેટે 301 રન બનાવ્યા હતા. તેના માટે કાયલ મેયર્સે સદી ફટકારી હતી. મેયર્સે 110 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 105 રન બનાવ્યા હતા.

ઓપનર અને વિકેટકીપર શાઈ હોપ 100 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન નિકોલસ પૂરને 55 બોલમાં 4 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 91 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે 53 રનમાં 3 વિકેટ લીધી હતી. મિશેલ સેન્ટનરે 38 રનમાં 2 વિકેટ લીધી હતી. લક્ષ્યનો પીછો કરતા ન્યુઝીલેન્ડે 47.1 ઓવરમાં 5 વિકેટે 307 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

ન્યુઝીલેન્ડ તરફથી માર્ટિન ગુપ્ટિલે 64 બોલમાં 57, ડેવોન કોનવેએ 63 બોલમાં 56, ટોમ લાથમે 75 બોલમાં 69, ડેરીલ મિશેલે 49 બોલમાં 63 રન બનાવ્યા હતા. જેમ્સ નીશમ 11 બોલમાં 34 અને માઈકલ બ્રેસવેલ 15 બોલમાં 14 રન બનાવીને અણનમ રહ્યો હતો. નીશમે 4 સિક્સ અને 1 ફોર ફટકારી હતી.