દિલ્હીની આબકારી નીતિમાં કથિત ભ્રષ્ટાચાર અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની કાર્યવાહી વચ્ચે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આજે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ભાજપ પર મોટો આરોપ લગાવતા કહ્યું કે તેમને ભાજપ તરફથી ઓફર મળી છે કે જો તેઓ આમ આદમી પાર્ટી તોડીને ભાજપમાં જોડાય છે તો તેમની સામેના તમામ CBI અને ED કેસ બંધ કરી દેવામાં આવશે.
મનીષ સિસોદિયાએ આના પર ખુલ્લેઆમ ટ્વિટ કરતા લખ્યું કે, મને ભાજપનો સંદેશ મળ્યો છે – “આપ” તોડો અને ભાજપમાં આવો, CBI EDના તમામ કેસ બંધ કરી દેશે. ભાજપને મારો જવાબ – હું મહારાણા પ્રતાપનો વંશજ છું, હું રાજપૂત છું, હું શિરચ્છેદ કરીશ, પણ ભ્રષ્ટાચારીઓ સામે ઝૂકીશ નહીં. મારી સામેના તમામ કેસ ખોટા છે, તમારે જે કરવું હોય તે કરો.
આ સાથે તેમણે કહ્યું કે હું અરવિંદ કેજરીવાલ સાથે બે દિવસીય પ્રવાસ પર ગુજરાત જઈ રહ્યો છું. દિલ્હીમાં જે રીતે કામ થઈ રહ્યું છે અને પંજાબમાં જે રીતે કામ થઈ રહ્યું છે તેનાથી પ્રભાવિત થઈને ગુજરાતના લોકો કેજરીવાલને તક આપવા માંગે છે.