ઝામરના રોગથી અનેક લોકો સપડાતા તેની સારવાર માટે ગાંધી હોસ્પિટલમાં આવી રહ્યા છે.ટીપા નાંખવાથી ઝામર કાબુમાં રહે છે અને અનિવાર્ય સંજોગોમાં જ ઓપરેશન કરવુ પડે છે
સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોને દ્રષ્ટિહિન કરતો છૂપો ચોર એવા ઝામર રોગ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે છેલ્લા દોઢ વર્ષમાં નવા નોંધાયેલા 146 લોકો ભોગ બન્યા હતા. અને જેમાં 10 લોકોએ તો દ્રષ્ટિ પણ ગુમાવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ત્યારે આ રોગ સામે લોકો સજાગ બની સમયાંતરે આંખોની ચકાસણી કરાવે તે હાલના સમયે જરૂરી બન્યુ છે.ભારતમાં અંધ વ્યક્તિઓનું પ્રમાણ વિશ્વભરમાં સૌથી વધુ છે. જેમાં ઝામરના રોગનો ફાળો બીજા નંબરે છે. ઝામરના રોગમાં આંખની અંદર રહેલા પ્રવાહીનો યોગ્ય નિકાલ ન થતા આંખની અંદરનું દબાણ વધે છે. જેનાથી આંખની જોવાની નસના ચેતાતંતુઓ નબળા પડે છે. આ પ્રમાણે ધીમે ધીમે ચોરપગલે બાજુની જોવાની દ્રષ્ટિ નબળી પડતી જાય છે.અંતે માત્ર ટ્યુબ્યુલર દ્રષ્ટિ રહે છે.અને છેવટે દર્દી તે પણ ગુમાવે છે. ત્યારે ઝાલાવાડમાં પણ ઝામર જેવા છૂપાચોરથી ઝામરની ઝપટે ચડેલા લોકોની સંખ્યા ચોંકાવી દેનારી છે. કારણ કે, જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં ઝામરના 2021-22માં 111 અને એપ્રિલ-2022 થી જુલાઇ-2022 સુધીમાં 35 સહિત અંદાજે છેલ્લા દોઢ વર્ષમાં 146 લોકો ઝામર રોગના શિકાર થયા છે.ઝાલાવાડમાં આ રોગ ધીમે-ધીમે ચિંતાજનક રીતે માથું ઉંચકી રહ્યો છે. કારણે આ સમયગાળા દરમિયાન 146માંથી 10 લોકોએ દૃષ્ટિ ગુમાવી હોવાનું બહાર આવ્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા અગરિયાઓ, પઢાર સહિત મજુરીનું કામ કરતા લોકોમાં આંખની ખામી સર્જાતી વધુ જોવા મળે છે.આથી, રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર, ટી.બી.હોસ્પિટલ અને લીંબડી હોસ્પિટલમાં સમયાંતરે વિનામૂલ્યે આંખના રોગના ઓપરેશનના કેમ્પો થાય છે. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર સહિતના શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં દૃષ્ટિ ઝાંખપના અનેક કેસો જોવા મળી રહ્યા છે. નોંધાયેલા 146 દર્દીઓમાંથી 25 જેટલા લોકોના લેશર ઓપરેશનો કરવામાં આવ્યા હતા. જ્યારે બાકીના દર્દીઓને અમદાવાદ સિવિલમાં સારવાર માટે મોકલાયા હતા.