મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સ્વાઈન ફ્લૂનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જ્યાં શહેરમાં બે દિવસમાં એચ1એન1 વાયરસ એટલે કે સ્વાઈન ફ્લૂના 15 નવા કેસ નોંધાયા છે અને ચેપને કારણે બે લોકોના મોત થયા છે.

નવા કેસ સાથે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂના કુલ કેસોની સંખ્યા વધીને 94 થઈ ગઈ છે. જ્યારે સ્વાઈન ફ્લૂથી મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે. જેના કારણે સ્થાનિક પ્રશાસને લોકોને સાવચેત રહેવા અને સ્વાઈન ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે તો ડોક્ટરનો સંપર્ક કરવા અપીલ કરી છે.

નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશન (NMC)ના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે 13 ઓગસ્ટના રોજ શહેરની હોસ્પિટલમાં 65 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ પછી, 15 ઓગસ્ટના રોજ સ્વાઈન ફ્લૂથી અન્ય 57 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું.

આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે નાગરિક સંસ્થાની સમિતિએ બંને કેસોની તપાસ કરી હતી અને પુષ્ટિ કરી હતી કે બંને મૃત્યુનું કારણ સ્વાઈન ફ્લૂ હતું. નાસિક જિલ્લામાં ચોમાસાની શરૂઆતથી જ જીવલેણ વાયરસના કેસમાં વધારો થયો છે અને છેલ્લા કેટલાક દિવસોથી શહેરી વિસ્તારોમાં સ્વાઈન ફ્લૂનો પ્રકોપ વધ્યો છે.