ગુજરાત રાજ્યમાં વિકાસના નામે મતો મંગાવામાં આવે છે અને વિકાસના મોડેલની ચર્ચાઓ થાય છે. ગુજરાત સરકાર અને કેન્દ્રની સરકાર દ્વારા ગુજરાતમાં જે વિકાસ કર્યો છે તેની વાતો ચૂંટણી પ્રચારમાં કરે છે અને ગુજરાતમાં અમારી સરકાર દ્વારા કરોડોના ખર્ચે આટલો વિકાસ કર્યો તેવા બણગા ફૂંકતા હોય છે જયારે જમીની હકીકત ખુબ જ અલગ છે. ગુજરાતમાં આ વર્ષે પડેલા વરસાદથી રાજ્યના મોટાભાગના શહેર તેમજ ગામડાઓના રસ્તાઓ તૂટી ગયા છે. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જૂનાગઢ, જામનગરમાં મોટા ભાગના રસ્તાઓ તૂટી ગયા છે અને જે રસ્તાઓ છે ત્યાં મોટા મોટા ભૂઆઓ પડ્યા છે.

અમદાવાદની વાત કરીયે તો શહેરમાં વરસાદ બાદ મોટા મોટા ખાડા પડ્યા છે અને ઠેર ઠેર રસ્તાઓ તૂટી ગયા છે. તેમ છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલનું તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. આવી જ હાલત અન્ય શહેરોમાં પણ છે. નેતાઓ અને અધિકારીઓના પાપે પ્રજાના ટેક્સના પૈસાથી બનેલા રોડ ગાયબ થઇ જાય છે. અને દર વર્ષે ચોમાસા બાદ કરોડો રૂપિયાના રોડ ફરીથી બનાવવામાં આવે છે. કોર્પોરશનમાં નેતાના મળતિયાને કોન્ટ્રાન્ક આપવામાં આવે છે અને તે હલકી ગુણવતાના રસ્તાઓ બનાવે છે. શું નેતાઓની જવાબદારી ફક્ત ચૂંટણી સમયે મતો માંગવાની છે કે પછી રસ્તાઓ બનાવની પણ છે.

નેતાઓ ચૂંટણી પ્રચારમાં નીકળે તો રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે બનાવવામાં આવે છે. જયારે સામાન્ય નાગરિકને હાલાકી ભોગવવા સિવાય કોઈ ઉપાય નથી. ગુજરાતમાં દર પાંચ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે અને પાંચ વર્ષે નેતાઓ સમાજમાં મત મંગાવા માટે નીકળી પડે છે જયારે એક વાર સરકાર બની જાય એટલે હું કોણ ને તમે કોણ જેવી નીતિ શરુ થઇ જાય છે.

શા માટે અધિકારીઓ કોન્ટ્રાકટર પર પગલાં નથી લેતી ?

ગુજરાતમાં રોડ રસ્તા તૂટી જાય છે તો કોર્પોરેશનના અધિકારીઓ શા માટે રોડ બનાવનારા કોન્ટ્રાકર પર પગલાં લેતી નથી? મ્યુનિસિપલ કમિશ્નર અને બીજા અધિકારીઓ પાસે સત્તા હોવા છતાં પણ કોન્ટ્રાકટર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી. રોડ બનાવામાં ભ્રષ્ટાચાર થતો હોય છે તેમ છતાં પણ મોટા મોટા અધિકારીઓ પણ આવા કોન્ટ્રાકરને કહી શકતા નથી. 

શા માટે સરકાર કોઈ પગલાં લેતી નથી ?

સરકારનું કામ છે લોકોને સારી વ્યવસ્થા મળે તે માટેનું પરંતુ ગુજરાતમાં સરકાર બની જાય પછી સરકારનું કાર્ય આગળની ચૂંટણી જીતવા પૂરતું જ રહી ગયું છે. શહેરમાં જે કોન્ટ્રાકટર રોડ બનાવે છે અને એ રોડ જો તૂટી જાય તો અથવા તો બિસ્માર હાલત થઇ જાય તો સરકાર શા માટે તે કોન્ટ્રાકટર પર કોઈ પગલાં લેતી નથી? શું સરકારના કોઈ મળતિયા જ આ કોન્ટ્રાકટમાં હોય છે કે પછી નેતાઓને મળતી ગ્રાન્ટમાંથી નેતાઓ અને આ કોન્ટ્રાકટરનો ભાગ નક્કી હોય છે? સામાન્ય માણસને પણ સમજાઈ તેવી વાત છે જે સરકારને સમજતી નથી અથવા તો જાણી જોઈને સમજવા માંગતા નથી.

રસ્તાની ક્વોલિટી કેમ તપાસ કરવામાં આવતી નથી ? 

ગુજરાતમાં જયારે રસ્તાઓ બને છે ત્યારે તેની ક્વોલિટી કેમ નક્કી કરવામાં આવતી નથી? રોડ બનાવતી વખતે શું અધિકારીઓ હાજર હોય છે કે કેમ તેની તપાસ પણ થાય છે કે કેમ? રસ્તા બનાવવા માટે ચોક્કસ માપદંડ હોય છે તે માપદંડ પ્રમાણે જ રસ્તો બનાવાય છે કે પછી લોલંલોમ રીતે રસ્તો બનાવી નાખવામાં આવે છે? 

આ વર્ષે વિધાનસભાની ચૂંટણી છે અને ગુજરાતની પ્રજા તૂટેલા રસ્તાઓથી ત્રાસી ગઈ છે. એક તરફ સરકાર કરોડોના ખર્ચ કરવામાંથી ઉંચી નથી આવતી ને બીજી તરફ લોકોને ભંગાર રસ્તાઓ પર પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત સરકારોનો વિકાસ ખાડામાં ગયો છે.