દાહોદ, તા. ૨૦ : જિલ્લા સેવા સદન ખાતેના સભાગૃહ ખાતે આજે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. સંકલન સમિતિની બેઠક ભાગ એકમાં ધારાસભ્યશ્રીઓના પ્રશ્ન લેવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સંબધિત વિભાગના અધિકારીશ્રીઓને આ પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.
બેઠકમાં ધારાસભ્યશ્રી વજેસિંહ પણદાએ મનરેગા યોજના અંતર્ગત મંજૂર કરાયેલા કામોની વિગતો, પૂર્ણ થયેલા કામો તેમજ બાકી કામોની વિગત વિશે પૃચ્છા કરાઈ હતી. સંકલન બેઠકમાં ધારાસભ્યશ્રીઓના પ્રશ્નોનો સકારાત્મક ઉત્તર અપાયા હતા. ઉપરાંત દાહોદ નગરપાલિકા દ્વારા થયેલા કામો અને બાકી કામો તેમજ પીવાના પાણી, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય, ગ્રામ પંચાયત, રસ્તા, ચોમાસાના ભરાતા વરસાદી પાણીના નિકાલ માટેના પ્રશ્નો રજુ કર્યા હતા. આ પ્રશ્ર્નોનો તાકીદે નિકાલ કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને સુચનો આપ્યા હતા.બેઠકમાં ડીડીઓશ્રીએ સી.એમ.ડેસ્કબોર્ડ અંતર્ગત સમયમર્યાદામાં કામગીરી કરવા ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા, નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી. પાંડોર, ડીઆરડીએ નિયામક શ્રી બલાત, સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.