ડીસામાં 25 જાન્યુઆરીએ રબારી સમાજનું મહાસંમેલન
સમશેરપુરા ગામમાં 50 હજાર લોકો માટે બેઠક, ભોજન વ્યવસ્થા કરાઈ..
બનાસકાંઠાના ડીસા નજીક આવેલા સમશેરપુરા ગામમાં શ્રી એમ.એમ. દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાશે, આ સંમેલનમાં 50,000 થી વધુ લોકો એકત્રિત થવાની અપેક્ષા છે, તેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક બંધારણ, શિક્ષણને પ્રોત્સાહન અને સમાજમાં થતા ખર્ચાઓ પર નિયંત્રણ લાવવાનો છે..
આ મહાસંમેલન નો હેતુ 'એક સમાજ, એક રિવાજ' ના સિદ્ધાંત સાથે સમાજમાં થતા બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ લાવવાનો છે, શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવા અને દરેક ઘરમાં એક સરકારી નોકરીયાત હોય તેવા લક્ષ્ય સાથે ઉચ્ચ શિક્ષણ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે..
આ સંમેલન માં બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ તેમજ રાજસ્થાન ના રેવદર, સાચોર અને જાલોર વિસ્તાર ના રબારી સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહેશે. રબારી સમાજના પીઢ નેતા ગોવાભાઈ દેસાઈ અને ધાનેરા ના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ વધુમાં વધુ લોકો ઉપસ્થિત રહે તે માટે ગામડાઓનો પ્રવાસ કરી રહ્યા છે, તેઓ ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન ના રબારી સમાજના આગેવાનો ને પણ આમંત્રિત કરી રહ્યા છે..
ગોવાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, "અમારા સમાજમાં આ ચોથી વખત બંધારણ થઈ રહ્યું છે, જેનું સમાજ સતત પાલન કરી રહ્યો છે, સમય ની સાથે બંધારણોમાં ફેરફાર કરવા પણ જરૂરી છે, " તેમણે ઉમેર્યું કે, આ વખતે ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન ના રાણીવાડા, રેવદર, સાચોર અને જાલોર સુધીના રબારી સમાજના લોકો બંધારણમાં ઉપસ્થિત રહે તેવું આયોજન કરાયું છે અને 'એક સમાજ, એક રિવાજ' આ સંમેલન માં નક્કી કરવામાં આવશે..
ગોવાભાઈએ વધુમાં જણાવ્યું કે, આ મહાસંમેલન માં 50,000 થી વધુ લોકો એકત્રિત થશે. બંધારણની સાથે શિક્ષણ અને દરેક ઘરે એક સરકારી નોકરીયાત હોય તે માટે ઉચ્ચ શિક્ષણ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે. નાનામાં નાનાથી મોટામાં મોટો વ્યક્તિ શિક્ષણની સાથે ધંધા રોજગારમાં પણ પરિપક્વ બને તે માટે સમાજે એકબીજાને મદદરૂપ થવા આહવાન પણ કરવામાં આવશે..
આ ઐતિહાસિક મહાસંમેલન માં 50,000 લોકોની બેસવા માટે, ભોજન વ્યવસ્થા અને પાર્કિંગની વ્યવસ્થા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે, સમાજ બંધુઓ ઉપસ્થિત રહી શકે તે માટે ગામડાઓમાં મીની બસો પણ મૂકવામાં આવશે..
ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન નું આ પ્રથમ મહાસંમેલન ડીસા ખાતે યોજાવા જઈ રહ્યું છે, આ સંમેલન ને લઈને સમગ્ર ઉત્તર ગુજરાતના રબારી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમાજના સભ્યો તેને સફળ બનાવવા સઘન પ્રયાસો કરી રહ્યા છે..