ઇસ્લામાબાદઃ પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમ, મોહંમદ રિઝવાન અને ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી સાથે પોન્ઝી સ્કીમ દ્વારા લગભગ રૂ. 100 કરોડ પાકિસ્તાની રૂપિયાની છેતરપિંડી થઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આ મામલે તપાસ શરૂ કરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનના પૂર્વ ટેસ્ટ કેપ્ટન સહિત લગભગ એક ડઝન ખેલાડીઓએ PSL સાથે સંકળાયેલા એક બિઝનેસમેનની સ્કીમમાં પૈસા રોક્યા હતા. શરૂઆતમાં તેમને વળતર પણ મળ્યું, પરંતુ હવે અચાનક તેમને પૈસા મળવાનું બંધ થઈ ગયું.
પીડિત ક્રિકેટરોએ જ્યારે બિઝનેસમેનનો સંપર્ક કર્યો, ત્યારે તેમને કહી દેવાયું કે, હવે પૈસા પાછા નહીં મળે. ત્યાર બાદ તેણે ફોન અને મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દીધું અને પાકિસ્તાન છોડીને ફરાર થઈ ગયો. જણાવાઈ રહ્યું છે કે, આ ખેલાડીઓએ માત્ર પોતાના જ નહીં, પરંતુ સંબંધીઓ અને નજીકના સહયોગીઓના પણ પૈસાનું રોકાણ કર્યું હતું. એવું જણાવાઈ રહ્યું છે કે, આ રકમ પાકિસ્તાની રૂ. 100 કરોડ સુધીની છે.
એક ડઝનથી વધુ ખેલાડીઓ ઠગાઈનો શિકાર
પાકિસ્તાન ક્રિકેટ ટીમના લગભગ એક ડઝન વર્તમાન ખેલાડીઓ સાથે ઠગાઈ થઈ છે. આમાં બાબર, રિઝવાન અને શાહીન ઉપરાંત ફખર ઝમાન, શાદાબ ખાનનાં નામ પણ સામેલ છે. કહેવાઈ રહ્યું છે કે વેપારી પાકિસ્તાન સુપર લીગની કેટલીક ફ્રેન્ચાઇઝીની સ્પોન્સરશિપ સાથે પણ સંકળાયેલો રહ્યો છે. અસરગ્રસ્ત ખેલાડીઓએ તેનો સંપર્ક કર્યો ત્યારે વેપારીએ કથિત રીતે દાવો કર્યો કે તેને મોટું નુકસાન થયું છે, જેમાં ખેલાડીઓની રોકાણ કરેલી રકમ અને તેની પોતાની મૂડી પણ સામેલ છે. તેણે કહ્યું હતું કે, તે પૈસા પાછા આપવાની સ્થિતિમાં નથી.