અમદાવાદઃ ‘મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારાં બાળકોને બચાવી લો, 26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું’. 17 ડિસેમ્બરે અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યાના 36 દિવસ બાદ 23 જાન્યુઆરીએ ફરી એક વખત અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઇલ મળતાં વાલીઓ ફફડી ઊઠ્યા હતા.
ફરી એક વખત અમદાવાદમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. વાલીઓ પોતાના નોકરી-ધંધે નીકળી ગયા હતા અને સ્કૂલોથી ફોન આવતાં ફફડાટમાં સ્કૂલે પહોંચ્યા હતા. સ્કૂલોમાં વાલીઓની ભીડ જોવા મળી હતી. પોલીસ પણ તાત્કાલિક સ્કૂલોમાં પહોંચી ગઈ હતી. બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરાઈ તો ફાયરબ્રિગેડની ટીમોને પણ સ્કૂલો પર મોકલી દેવાઈ હતી.
બોમ્બ-ડોગ સ્ક્વોડ અને પોલીસે તમામ સ્કૂલોમાં સર્ચ કર્યું હતું, પરંતુ એક પણ સ્કૂલમાંથી કંઈપણ વાંધાજનક વસ્તુ ના મળતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
‘26મીએ તિરંગો ફરકાવશો તો ઉડાવી દઈશું’: 15 શાળાને ધમકી