ભરૂચઃ ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શારીરિક કસોટી આપવા આવેલા કચ્છના એક આશાસ્પદ યુવાનનું દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક તબિયત લથડતાં મોત નીપજ્યું. આ ઘટનાને પગલે ભરતી કેન્દ્ર પર શોકનું મોજું ફરી વળ્યું હતું.
ખાખી પહેરવાનું સપનું અધૂરું રહ્યું
મળતી માહિતી મુજબ, મૂળ કચ્છના વતની 25 વર્ષીય રવિરાજ જાડેજા પોલીસ દળમાં જોડાવાના સપના સાથે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શારીરિક કસોટી આપવા આવ્યા હતા. રવિરાજે ઉત્સાહપૂર્વક નિર્ધારિત દોડ પૂર્ણ કરી હતી. જો કે દોડ પૂરી થતાં જ તેને ગભરામણ થવા લાગી હતી અને અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો.
મેદાન પર હાજર તબીબી ટીમ અને પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી રવિરાજને હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેની ગંભીર સ્થિતિને જોતાં વધુ સારવારઅર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તબીબોના અથાગ પ્રયત્નો છતાં રવિરાજને બચાવી શકાયો નહોતો અને સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો.
પોલીસ ભરતીમાં દોડ પૂર્ણ કર્યા બાદ યુવાનનું મોત