જૂનાગઢઃ મેંદરડા તાલુકાના ધરતીપુત્રો પર આ વર્ષે કુદરત રુઠી હોય તેમ લાગી રહ્યું છે. ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે મગફળી અને સોયાબીન જેવા મુખ્ય પાક સદંતર નિષ્ફળ ગયા બાદ, ખેડૂતોને આશા હતી કે શિયાળુ એટલે કે રવી સીઝનમાં તેઓ આ નુકસાનની ભરપાઈ કરી શકશે. જો કે નવી આશા સાથે મોંઘાં બિયારણ, ખાતર અને દવાઓનો ખર્ચ કરીને વાવેલાં ઘઉં, ચણા, ધાણા અને ડુંગળીના પાક પર હવે ભેદી રોગચાળાએ આક્રમણ કર્યું છે. ખાસ કરીને ઘઉંના પાકમાં જોવા મળતા ‘પીળિયા’ રોગને કારણે ઊભો મોલ સુકાઈ રહ્યો છે, જેનાથી ખેડૂતોની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે.
માવઠાથી ખરીફ સિઝન નિષ્ફળ
મેંદરડાના ખેડૂતોએ જણાવ્યું હતું કે, માવઠાથી ખરીફ સિઝન પલળી ગયા બાદ ખેડૂતોએ હિંમત હાર્યા વગર રવીપાકનું વાવેતર કર્યું હતું, પરંતુ હવે ઘઉંના પાકમાં પહેલીવાર એવો રોગ જોવા મળ્યો છે, જેમાં શરૂઆતમાં પાક સારો દેખાય છે પણ થોડા દિવસો બાદ તેનો વિકાસ અટકી જાય છે.
ઘઉંનો રંગ પીળો પડી જાય છે
ખેડૂતતોએ વધુમાં કહ્યું કે, ઘઉંનો કુદરતી લીલો પોપટી કલર બદલાઈને પીળો પડી જાય છે અને છોડ સુકાવા લાગે છે. ખેડૂતોએ એગ્રોમાંથી મોંઘી દવાઓ લાવીને છંટકાવ કરવા છતાં કોઈ રિઝલ્ટ મળતું નથી, જેના કારણે ખેડૂતોને આર્થિક રીતે ડબલ ફટકો પડી રહ્યો છે. ખેડૂતોની માગ છે કે કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતો આ રોગની તપાસ કરે અને સચોટ દવાની ભલામણ કરે.
મેંદરડા પંથકમાં રવીપાક પર ‘પીળિયા’ રોગનો કેરઃ ખેડૂતો ચિંતાતુર