ગાંધીનગરઃ સેક્ટર-7માં આવેલી જે. એમ. ચૌધરી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને F.Y. B.A.માં અભ્યાસ કરતી પાટણના રાધનપુરની વતની 19 વર્ષીય શિવાની આહીરે પોતાના ક્લાસરૂમમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. આ ઘટનાની 4 મિનિટ અને 38 સેકન્ડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં યુવતી રૂમમાં પ્રવેશી ત્યારથી લઈને આપઘાત કર્યો ત્યાં સુધીનો આખો ઘટનાક્રમ દેખાય રહ્યો છે. વિદ્યાર્થિની સાંજે ગુમ થઈ હતી, જેથી શોધખોળ કરતાં ક્લાસરૂમમાંથી લટકતી હાલતમાં મળી હતી. કોલેજમાં બનેલી આ ઘટનાથી વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સત્તાધીશો દોડતા થયા
મળતી વિગતો અનુસાર, પાટણના રાધનપુરની વતની શિવાની ભોજાભાઈ આહીર 21 જાન્યુઆરીની સાંજે કોલેજ કેમ્પસમાં આવી હતી. તે ગર્લ્સ હોસ્ટેલથી અચાનક ગુમ થઈ હતી. હોસ્ટેલમાં તેની ભાળ ન મળતાં કોલેજ પ્રશાસન અને સિક્યોરિટી દ્વારા કેમ્પસમાં શોધખોળ શરૂ કરાઈ હતી. વિદ્યાર્થિની લાપતા થતાં કોલેજ અને હોસ્ટેલ સત્તાધીશો દ્વારા તાત્કાલિક તેના પરિવારને જાણ કરાઈ હતી.
ગાંધીનગરની જે. એમ. ચૌધરી કોલેજના ક્લાસરૂમમાં વિદ્યાર્થિનીનો આપઘાત