દાહોદ: દાહોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પાસેથી સોનાના દાગીના તફડાવી બે ગઠિયાઓ ફરાર થઇ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પોતાના ઘરે બેઠા હતા આ દરમિયાન બે ગઠિયાઓએ આવીને તેમને વાતોમાં ફસાવી તેમની પાસે રહેલા સોનાના દાગીના તફડાવીને ફરાર થઇ ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.દાહોદમાં સોનાના દાગીના તફડાવી ગઠિયાઓ ફરાર,દાહોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિદ્યાબેન મોઢિયા બપોરના સમયે તેમના ઘરે ઓટલા પર બેઠા હતા. આ દરમિયાન બે ગઠિયાઓ તેમણે મંદિરમાં દાન આપવું છે તેવી વાતોમાં ફસાવી રૂપિયા પવિત્ર કરવા માટે તમારે સોનાને હાથ અડાવવો પડશે, તેમ કહી સોનાનાતફડાવીને ફરાર થઇ ગયા હતા.બનાવની વિગત જોઇએ તો દાહોદના પડાવ વિસ્તારમાં શીતળા માતા મંદિર સામે રહેતા અને સામાજિક સેવામાં પ્રવૃત રહેતા વિદ્યાબેન પાસે બે ગઠિયાઓ બાઇક ઉપર આવ્યા હતા અને કિશન મહારાજનું મકાન ક્યાં છે તેવી પૂછપરછ કરી હતી. વિદ્યાબેને તે કિશન મહારાજને નથી ઓળખતા તેમ કહેતા ગઠિયાએ જણાવ્યું કે, અમારે મંદિરમાં દાન આપવું છે. તે બાદ વિદ્યાબેને સામેનું મંદિર બતાવ્યું અને કહ્યું કે દાન તો ત્યાં પણ આપી શકાય. ગઠિયાઓએ તમે પણ સાથે આવો તેમ કહી મંદિરમાં જઇ પૂજારી સાથે વાતચીત કરી હતી. તે બાદ ગઠિયાઓએ વિદ્યાબેનને તમારા ઘરે જઇને બેસીએ તેમ કહેતા તેઓ તેમના ઘરે ગયા હતા.આ દરમિયાન નોટોના બંડલ બતાવ્યા હતા અને પૈસા દાનમાં આપવાની વાત કરી વાતોમાં ફસાવ્યા હતા. તે બાદ પૈસાને પવિત્ર કરવા માટે નોટાના બંડલને સોનું અડાવવું પડશે તેમ કહેતા પહેલા ગઠિયાઓએ વિદ્યાબેનની કાનની બુટ્ટી કઢાવી હતી અને હજુ સોનું જોઇશે તેમ કહેતા સોનાની ચેઇન કઢાવી હતી. તે બાદ વીટી પણ કઢાવી સોનાના દાગીના નોટોના બંડલ સાથે એક કપડામાં વીંટીને વાતોમાં ફોસલાવ્યા હતા. તે બાદ દાગીના અને નોટોના બંડલનું કપડુ પોતાની પાસે રાખી અન્ય ખાલી બાંધેલુ કપડું ત્યા રાખ્યું હતું અને પ્રસાદ લઇને આવું છું તેમ કહી ગઠિયાઓ ફરાર થઇ ગયા હતા.તે બાદ વિદ્યાબેનને શંકા જતા કપડું ખોલીને જોયું તો તેમાં દાગીના અને રૂપિયા નહોતા. પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલૂમ પડતા તાત્કાલિક તેઓએ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે તે બાદ ગઠિયાઓેને ઝડપી પાડવા શહેરના CCTV કેમેરા તપાસવા સહિતની કામગીરી હાથ ધરી હતી