કદવાલ તાલુકાના કુંડલ ગામે DP હટાવવાની માંગણીની અવગણના ભારે પડી: શોર્ટ સર્કિટથી હજારોનો ઘાસચારો બળીને ખાખ, સદનસીબે જાનહાનિ ટળી!
કદવાલ તાલુકાના કુંડલ ગામે વીજ કંપનીની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. નિશાળ ફળિયામાં અડચણરૂપ મૂકવામાં આવેલી DPમાં શોર્ટ સર્કિટ થતાં ભયાનક આગ લાગી હતી, જેમાં પશુઓ માટે રાખવામાં આવેલો હજારો રૂપિયાનો ઘાસચારો બળીને સંપૂર્ણપણે રાખ થઈ ગયો હતો. સતત રજૂઆતો છતાં MGVCL તંત્રએ DP ખસેડવાની માંગને અવગણતા પૂર્વ સરપંચ અને ગ્રામજનોને મોટું નુકસાન થયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કુંડલ ગામના પૂર્વ સરપંચ રાઠવા રાકેશભાઈ ચીમનભાઈના વાડા અને શાળાની નજીક MGVCL દ્વારા લાઈટની DP મૂકવામાં આવી છે. પૂર્વ સરપંચ રાકેશભાઈએ આ DP શાળાના બાળકો, પશુઓ અને સ્થાનિક રહેવાસીઓ માટે જોખમરૂપ હોવાની અને અહીં છાશવારે પશુઓને કરંટ લાગવાના બનાવો બનતા હોવાની વારંવાર MGVCL કચેરીમાં રજૂઆતો કરી હતી.
જોખમી DPને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે વારંવાર રજૂઆતો કરવા છતાં, MGVCL તંત્રએ આ માંગને ધ્યાને લીધી ન હતી. તંત્ર દ્વારા જાતજાતના દાખલા મંગાવીને કામને ટલ્લે ચડાવવામાં આવ્યું હતું અને 'ખસેડી દઈશું' કહીને સરપંચ અને ગ્રામજનોને માત્ર આશ્વાસન આપીને કોણીએ ગોળ લગાવ્યો હતો.
લોક રજૂઆતની આ અવગણનાની ભારે કિંમત પૂર્વ સરપંચને ચૂકવવી પડી છે. DPમાં વારંવાર થતા ફોલ્ટ અને રોજ ઉડતા તણખાઓએ ગંભીર સ્વરૂપ લીધું હતું. ડીપીમાં મોટા ડરામણા અવાજો સાથે તણખા દૂર દૂર સુધી ઉડતા, નજીકમાં રાખેલા ઘાસચારામાં એક તણખો પડતાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં હજારો રૂપિયાનો ઘાસચારો બળીને રાખ થઈ જતાં પશુઓને ભૂખે મરવાનો વારો આવ્યો છે, તેમ રાકેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું. સદનસીબે, આગ લાગવાની ઘટના સમયે ત્યાં કોઈ બાળકો કે અન્ય માનવજીવન હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આસપાસના લોકોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં પશુઓનો ઘાસચારો બળી જતાં મોટું આર્થિક નુકસાન થયું હતું.
આ ઘટના બાદ કુંડલ ગામના પૂર્વ સરપંચ રાકેશભાઈ રાઠવા અને ગ્રામજનોમાં MGVCL તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આ જગ્યાએથી તાત્કાલિક ડીપી હટાવી અન્યત્ર સુરક્ષિત જગ્યાએ મૂકવાની માંગ કરી છે.
સાથે જ, MGVCLની બેદરકારીને કારણે થયેલા હજારો રૂપિયાના ઘાસચારાના નુકસાન સામે વીજ કંપની પાસેથી વળતરની માંગ કરવાની ચીમકી ઉચ્ચારી છે. જો તંત્ર ઝડપથી કાર્યવાહી નહીં કરે તો, લોક સુરક્ષા માટે આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થાય તો નવાઈ નહીં.