સિહોરમાં વરસ્યો એક ઇંચ વરસાદ જિલ્લામાં કુલ વરસાદ 17 ઇંચ થયો જિલ્લામાં એવરેજ વરસાદ 70 ટકા થવા આવ્યો ગારિયાધાર, વલ્લભીપુર, ઉમરાળા, ભાવનગર અને મહુવામાં વરસાદના હળવા-ભારે ઝાપટા વરસ્યા ભાવનગર શહેર અને જિલ્લામાં શ્રાવણ માસમાં પણ અષાઢ માસની જેમ સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.આજે સિહોરમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો ભાવનગર જિલ્લામાં આ ચોમાસામાં કુલ વરસાદ 425 મી.મી. એટલે કે 17 ઇંચ થઇ ગયો છે. જે સિઝનના કુલ એવરેજ વરસાદ 617 મી.મી.ના 69.75 ટકા થાય છે. હજી વરસાદી માહોલ જામેલો છે. ભાવનગર જિલ્લામાં આજે સિહોરમાં 21 મી.મી. વરસાદ નોંધાયો હતો. સિહોરમાં આ સિઝનમાં કુલ વરસાદ 464 મી.મી. થઇ ગયો છે. આજે મહુવામાં પણ 6 મી.મી. વરસાદ નોંધાયો હતો. જેથી મહુવામાં સિઝનનો કુલ વરસાદ 698 મી.મી. એટલે કે 28 ઇંચ થવા આવ્યો છે. જે મહુવાના વાર્ષિક એવરેજ વરસાદ 647 મી.મી.ના 107.88 ટકા થાય છે. ગારિયાધારમાં આજે 10 મી.મી. વરસાદ નોંધાયો હતો વલ્લભીપુરમાં 7 મી.મી., ઉમરાળમાં 6 મી.મી., પાલિતાણામાં પણ 6 મી.મી., જેસરમાં 5 મી.મી. અને ભાવનગર શહેરમાં આજે 3 મી.મી. વરસાદ વરસી ગયો હતો. મહુવાના ત્રણેય મોટા ડેમ 100 ટકા ભરાયેલા મહુવાના ત્રણેય ડેમ ઓવરફલો છે. મહુવા તાલુકાના મોટા ખુટવડા પાસેની માલણ નદી ઉપર આવેલ માલણ અને રોજકી ડેમમાં 100 ટકા પાણીનો સંગ્રહ થયેલ છે. જળાશયમાં પાણીની આવક ચાલુ છે.બગડ ડેમ પણ ઓવરફ્લો છે. બગડ ડેમ તો અષાઢ માસમાં પ્રથમ તબક્કાના જોરદાર વરસાદ બાદ સતત ઓવરફ્લો છે. જે આજ સુધી યથાવત છે.