છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના અંતરિયાળ ગામ ભેંસાવહી ખાતે આદિવાસી સમાજની વર્ષો જૂની અને અનોખી પરંપરા મુજબ 'ગામ સાઈ ઇન્દ' ની ઐતિહાસિક ઉજવણી ધામધૂમથી ચાલી રહી છે. આ ઉત્સવ આદિવાસી સમાજની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે, જે ગામ સાઈ ઇન્દની આન, બાન અને શાનને પ્રતિષ્ઠિત કરે છે.

          પ્રાપ્ત માહિતી અનુસાર, ગામ સાઈ ઇન્દ એ આદિવાસી સમાજની એવી પરંપરા છે જેમાં આદિવાસીઓ તેમના દેવી-દેવતાઓ, પૂર્વજો તેમજ પ્રકૃતિ માતા ની ભક્તિભાવ પૂર્વક પૂજા-અર્ચના કરે છે. આ ઉત્સવનું સૌથી મોટું આકર્ષણ એ છે કે આ મેળાનું આયોજન ૬૦ થી ૭૦ વર્ષના લાંબા ગાળા બાદ થતું હોય છે, જેને 'દેવોની પેઢી બદલવાનો' મેળો કહેવામાં આવે છે.

આ ધાર્મિક વિધિ દરમિયાન ગામના પૂજારી (બળવા) તેમજ પુંજારા દ્વારા દેવોના નવા ઘોડા અને નવા ખુટ નું સ્થાપન કરવામાં આવે છે, જે નવી પેઢીમાં દેવતાઓના આશીર્વાદ અને પરંપરાનું હસ્તાંતરણ દર્શાવે છે.

       ગામ સાઈ ઇન્દના મેળા દરમિયાન ગામના લોકો તેમજ આદિવાસી સમાજના અન્ય વિસ્તારોમાંથી આવેલા ભક્તો પોતાના પારંપરિક પહેરવેશ માં સજ્જ થઈને જોડાય છે. મેળામાં ઢોલ, માંદળ અને તીર કામઠા સાથે આદિવાસીઓ ઉમંગભેર પારંપરિક નાચ-ગાન કરીને ઉજવણીના માહોલને જીવંત બનાવે છે. સમગ્ર ભેંસાવહી ગામ અને આસપાસનો વિસ્તાર આદિવાસી સંસ્કૃતિના રંગોમાં રંગાઈ ગયો છે.

આ પ્રકારના ઐતિહાસિક આયોજન થકી નવી પેઢીને પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતનું જ્ઞાન મળે છે અને સમાજમાં એકતા તથા ભાઈચારાની ભાવના મજબૂત બને છે.