પાવીજેતપુર ગરનાળા પાસેથી દારૂ ભરેલું સિમેન્ટનું ટેન્કર ઝડપાયું: લાખોનો મુદ્દામાલ જપ્ત
છોટાઉદેપુર એલસીબી પોલીસે આજે પાવીજેતપુર ગરનાળા પાસેથી વિદેશી દારૂ ભરેલું એક મોટું ટેન્કર પકડી પાડ્યું છે, જેમાં લાખો રૂપિયાનો દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. દારૂની હેરાફેરી માટે આરોપીઓએ સિમેન્ટ ભરવાના ઔદ્યોગિક ટેન્કરનો ઉપયોગ કર્યો હતો, જે 'પુષ્પા' ફિલ્મની જેમ ગુપ્ત રીતે માલસામાનની હેરફેર કરવાના પ્રયાસની યાદ અપાવે છે.
પ્રાથમિક માહિતી મુજબ, દારૂનો આ મોટો જથ્થો હરિયાણાથી ભરવામાં આવ્યો હતો. દારૂને ટેન્કરની અંદરની ખાસ જગ્યામાં છુપાવવામાં આવ્યો હતો. આ ગુપ્ત ભંડારને બહાર કાઢવા માટે પોલીસે ગેસ કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો અને આશરે અઢી બાય અઢી ફૂટ જેટલું કટિંગ કરીને પેટીઓ બહાર કાઢવામાં આવી હતી. એક
અંદાજ મુજબ, ટેન્કરમાંથી ૭૦૦ થી ૧૦૦૦ જેટલી વિદેશી દારૂની પેટીઓ મળી આવી છે, જેની કિંમત લાખો રૂપિયા થવા જાય છે.
આ કાર્યવાહી હાલ પાવીજેતપુર પોલીસ સ્ટેશન પાછળ ચાલુ છે, જ્યાં ટેન્કરને મૂકીને મુદ્દામાલ બહાર કાઢવામાં આવી રહ્યો છે. પોલીસે આ કેસમાં એક આરોપીને પકડ્યો છે, જેની પૂછપરછ હજુ બાકી છે. મોડી રાત સુધી આ કાર્યવાહી ચાલશે તેવો અંદાજ છે. છોટાઉદેપુર એલસીબીની આ સફળ કામગીરીથી દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.