દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત રાજ્યભરમાં હાઈ એલર્ટ, પોલીસનું સઘન ચેકિંગ શરૂ


તમામ બોર્ડર અને ચેકપોસ્ટ પર બેરિકેટિંગ કરીને આવતા-જતા વાહનો અને મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ : 10 નવેમ્બર, સોમવારની સાંજે 6:52 કલાકે દિલ્હીના લાલ કિલ્લાથી લગભગ 300 મીટર દૂર એક કારમાં અચાનક વિસ્ફોટ થયો. આ ઘટનામાં નવ લોકોના મોત થયા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ બ્લાસ્ટ આતંકવાદી કાવતરું હોવાનું જણાતા દેશભરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બન્યાના આગલા દિવસે 9 નવેમ્બરે ગુજરાતમાંથી ત્રણ આતંકી ઝડપાયા હતા.
ગુજરાતભરમાં રેડ એલર્ટ
સંપૂર્ણ ગુજરાતમાં પણ સાવચેતી રુપે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા પાંચ જિલ્લા સહિત રાજ્યભરમાં પોલીસ વિભાગ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભાવનગર અને જૂનાગઢ સહિતના જિલ્લામાં રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટેન્ડ, હોટલ અને ઢાબા, ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળો પર તપાસ શરુ કરવામાં આવી છે. તમામ બોર્ડર અને ચેકપોસ્ટ પર બેરિકેટિંગ કરીને આવતા-જતા વાહનો અને મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે.