કાલોલ ના માળી ફળિયામાં રહેતા ભીખાલાલ શંકરલાલ સુથાર દ્વારા હાલોલ ની દર્પણ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ અમરાભાઇ ચૌધરી સામે હાલોલ ની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ રૂ 40 લાખના ચેક રિટર્ન ની ફરિયાદ નોંધાવી હતી. કાલોલ તાલુકાના મધવાસ ગામમાં બિનખેતીની રે. સ. નં ૨૩૬/૧,૨૩૬/૨,૨૩૮/૨ અને ૨૩૮/૫ વાળી જમીનો ફરિયાદી ભીખાલાલ શંકરલાલ સુથાર દ્વારા બોહમીસ સ્ટીલ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી વેચાણ રાખી હતી અને તે જમીનની ઓથોરિટી કંપનીએ ફરિયાદીને લખી આપી હતી જે ઓથોરિટી આધારે ફરિયાદી અને આરોપી સુરેશભાઈ અમરાભાઇ ચૌધરી દ્વારા આ જમીન ની કિંમત 1.17 કરોડ રૂપિયાની નક્કી કરી આરોપીને વેચાણ આપવા નક્કી કરવામાં આવી હતી અને જંત્રી મુજબ રૂ 24 લાખનો દસ્તાવેજ તા ૧૯/૧૦/૨૦૧૯ ના રોજ કરવામાં આવ્યો અને બાકીની રકમ આરોપીનું નામ આ જમીનમાં ચડી જાય ત્યારબાદ આરોપી ફરિયાદીને ચૂકવી આપશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. બાકીની રકમ રૂ 93 લાખ પેટે આરોપીએ પોતાની પત્નીના ખાતા વાળો ચેક ફરિયાદીને આપ્યો હતો અને ત્યારબાદ પત્નીનો ચેક પરત આપો હું મારો પોતાનો ચેક આપું તેમ કહીને ચેક લઈ ગયા હતા અને ચેક પરત નહોતો આપ્યો જે અંગેની અલગ કાર્યવાહી પણ ફરિયાદીએ આરોપી સામે કરેલી છે. આરોપીએ દસ્તાવેજ દરમિયાન આપેલા રૂ 6 લાખના બે ચેક પણ રિટર્ન થયા હતા અને આ બંને ચેક તમોને આરટીજીએસ કરાવી આપીશ તેમ કહી આરોપી લઈ ગયા હતા. જે સાથે કુલ રૂ 1.05 કરોડ લેણા હતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આરોપીનું નામ ચડી જતા આરોપીએ જંત્રી સિવાયના બાકીના પૈસા આપવા માટે રૂપિયા ૪૦ લાખનો પોતાના ખાતા નો તા ૧૯/૧૦/૨૦૨૦ ના રોજનો ચેક આપ્યો હતો જે ચેક યાદી એ પોતાની બેંકમાં જમા કરાવતા ફરિયાદીની બેંક દ્વારા ઓનલાઈન ક્લિયરન્સ માટે મોકલતા આરોપીના ખાતામાં પૂરતું બેલેન્સ ન હતું તેમજ પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોઅર ના શેરા સાથે ચેક પરત આવ્યો હતો. જે બાદ ફરિયાદીએ હાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ સમક્ષ ચેક રીટર્ન અંગે ફરિયાદ દાખલ કરી હતી સમગ્ર કેસ ચાલી તથા આરોપી તરફે એડવોકેટ જે બી જોશી ની દલીલો અને રજુ થયેલા પુરાવા ને ધ્યાને રાખીને નામદાર કોર્ટ દ્વારા ફરિયાદી પોતાની ઉલટ તપાસમાં સ્વીકાર કરેલ છે કે જે જમીનનો ઉલ્લેખ ફરિયાદમાં થયો છે તેનો કોઈ દસ્તાવેજ પોતાના નામે કરાવેલ નથી તથા 7/12 ના ઉતારામાં પણ ફરિયાદીનું નામ નથી વધુમાં શરદચંદ્ર બોહરા એ આપેલા પુરાવામાં સ્વીકાર કરેલ છે કે ફરિયાદીને જમીન વેચવા માટે ઓથોરિટી લેટર આપ્યો હતો ફરિયાદી સાથે જમીન બાબતે કોઈ વેચાણ દસ્તાવેજ થયો નથી. ફરિયાદી ફક્ત જમીનોનું ટાઈટલ ટ્રાન્સફર કરવા પૂરતા જ અધિકૃત કરવામાં આવ્યા હતા. આરોપી તરફે એડવોકેટ જે બી જોશી દ્વારા કરેલ દલીલો મુજબ ફરિયાદીને હાલની આ ફરિયાદ કરવા માટે કંપની દ્વારા અધિકૃત કરેલા હોય તેવો કોઈ પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી. ફરિયાદી આ જમીનોના કાયદેસરના માલિક ન હોવાથી તેમજ કંપની દ્વારા તેઓને આ ફરિયાદ દાખલ કરવા અધીકૃત કરેલા ન હોવાથી તેઓને આ ફરિયાદ દાખલ કરવાનો કોઈ હક નથી.ફરિયાદી નુ કાયદેસરનુ કોઈ લેણું નથી અને ફરિયાદીએ માલિકી હકથી નહીં પરંતુ બિહમિશ સ્ટીલ વતી આરોપીને આ જમીનો વેચી છે તેવું ફલિત થાય છે. વધુમાં જમીનની કિંમત રૂપિયા 1.17 કરોડ ફરિયાદી અને આરોપીએ નક્કી કરી હોય તેવું કોઈ લખાણ કે આધાર પણ રજૂ કરવામાં આવ્યો નથી અને જમીનનો કબજો પણ ફરિયાદી પાસે નથી. રૂ 40 લાખના ચેકમાં તારીખ, આંકડામાં લખેલી રકમ અને આરોપીની સહી બ્લુ સહી થી લખાયેલ છે તથા ફરીયાદીનું નામ, શબ્દોમાં લખેલી રકમ કાળી સહી થી લખેલી છે જેથી ચેક એક વ્યક્તિ દ્વારા લખવામાં આવ્યો નથી પરંતુ બે અલગ અલગ વ્યક્તિ દ્વારા લખવામાં આવ્યો હોવાનું પણ ફલીત થાય છે.સમગ્ર પુરાવા ને ધ્યાને લઈને હાલોલના એડી ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ આર બી જોશી દ્વારા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે.