કલોલ :ઈટલા ગામે માત્ર નજીવા રૂપિયા માટે પૌત્ર બન્યો સગી દાદીનો હત્યારો!

ગાંધીનગરના કલોલ તાલુકાના ઇટલા ગામે એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. જેમાં એક પૌત્રએ માત્ર ત્રણ લાખ રૂપિયાના ચેક માટે પોતાની દાદીની હત્યા કરી નાખી હતી. પોલીસે આ ગંભીર ગુનો આચરનાર આરોપી પૌત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  મળતી માહિતી મુજબ મૃતક દાદીને જમીન વેચાણ પેટે રૂ.3 લાખનો ચેક મળ્યો હતો. આરોપી પૌત્ર આ રકમ મેળવવા માટે દાદી પાસે સતત ચેકની માંગણી કરતો હતો. જોકે પૌત્ર રખડેલ હોવાથી અને કોઇ કામ-ધંધો કરતો ન હોવાથી દાદી તેને ચેક આપવા તૈયાર નહોતા. દાદી જાણતા હતા કે જો આ પૈસા પૌત્રને મળશે તો તે વેડફી નાખશે. પૈસા આપવાની દાદીની ના પાડવાથી ઉશ્કેરાયેલા પૌત્રએ આવેશમાં આવીને દાદીની હત્યા કરવાનો કાવતરો રચ્યો હતો. તેણે દાદીનું ગળું દબાવીને અને ત્યારબાદ છાતી તથા પેટમાં લાતો મારીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. દાદીની હત્યા કર્યા બાદ આરોપી પૌત્ર ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.