હિંમતનગર: રાહુલ પ્રજાપતિ 

અમદાવાદના અસારવા રેલ્વે સ્ટેશનથી વાયા હિંમતનગર થઈ જયપુર સહિત અન્ય સ્થળે જતી ટ્રેનોમાં તહેવારોને લીધે મુસાફરોનો ધસારો રહે છે ત્યારે બુધવારે સવારે ૭ વાગ્યાના સુમારે જયપુરથી અસારવા જતી સુપરફાસ્ટ ટ્રેન હિંમતનગર રેલ્વે સ્ટેશન પર ઉભી હતી ત્યારે ગુજરાત રેલ્વે પોલીસના સ્ટાફે નિયમ મુજબ જનરલ ડબ્બામાં ચેકિંગ શરૂ કરી હતી જ્યાં એક બીનવારસી થેલો નજરે પડ્યો હતો. ત્યારબાદ ટ્રેન ઉપડી તો પણ થેલાનો માલિક મળ્યો ન હતો. જેથી પોલીસે આ થેલો તપાસતા તેમાંથી રૂા. પ૦૦ ના દરના પાંચ બંડલ મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે ચલણી નોટોની ગણતરી કરતા અંદાજે રૂા. ૨૫ લાખ મળી આવ્યા હતા. ત્યારબાદ ગુજરાત રેલ્વે પોલીસે ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ આટલી મોટી રોકડ હવાલાથી અન્ય વ્યકિતને મોકલવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસ તે દિશામાં તપાસ કરી શકે છે.

આ અંગે હિંમતનગર રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા વિજયભાઈ દેસાઈએ તરત જ અમદાવાદ રેલ્વે સ્ટેશનના પી.આઈ એ.એફ.ચૌધરીને જાણ કરી હતી. ત્યારબાદ વિજયભાઈએ આ બિનવારસી થેલાની તલાસી લેતા ગણતરી કર્યા બાદ પાંચ બંડલના મળી અંદાજે રૂા. ૨૫ લાખ નીકળ્યા હતા. વધુ તપાસમાં આ બંડલો પર યુનિયન બેંક ઓફ ઈન્ડીયા મુખ્ય તિજોરી જયપુર હિંદીમાં લખાયેલ સિક્કો માર્યો હતો. ત્યારબાદ ગુજરાત રેલ્વે પોલીસના ફરજ પરના કર્મચારીએ આ બિનવારસી નાણાંની ગણતરી કર્યા બાદ પંચોની રૂબરૂમાં એ.બી.સી.ડી લખીને તેને પારદર્શનક પ્લાસ્ટીકના ડબામાં પેક કરી ચોપડામાં નોંધ કરી આગળની તપાસ માટે મંજૂરી માંગવામાં આવી હતી. દરમ્યાન પોલીસને આશંકા છે કે આ બિનવારસી રૂા. ૨૫ લાખ હવાલાથી અન્યને મોકલવાના હોવાથી તેને ટ્રેનમાં લઈ જવાતા હોય તો નવાઈ નહી.